અરબ સાગરમાં સર્જાયેલ ડિપ્રેશનને પગલે સૌરાષ્ટ્રના હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક દરિયાકાંઠાના જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આગામી 24 કલાક દરમિયાન હળવાથી મધ્યમ ઝાપટાં પડી શકે છે. રાજકોટમાં ઝાપટાં પડશે, દરિયાકાંઠાને જિલ્લામાં 2 ઇંચ સુધી વરસાદ પડી શકે છે.
રાજકોટમાં વાદળછાયું વાતાવરણ અને ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, ડિપ્રેશનનો મુખ્ય પ્રભાવ દરિયાકાંઠા નજીકના વિસ્તારો જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ જિલ્લામાં વધુ જોવા મળી શકે છે, જ્યાં 2 ઇંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે. હવામાન વિભાગે રાજકોટ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજકોટ માટે આગામી 7 દિવસનું જે અનુમાન જાહેર કરવામાં આવ્યું છે તે મુજબ, શહેર અને આસપાસના વિસ્તારમાં હવામાન પલટાયેલું રહેવાની અને વરસાદ પડવાની શક્યતા છે. તા.31 ઓક્ટોબર સુધી રાજકોટમાં વરસાદ થવાની સંભાવના છે. સોમવારે શહેરનું મહત્તમ તાપમાન 27 ડિગ્રી અને લઘુતમ તાપમાન 23 ડિગ્રી નોંધાયું હતું.
આગામી દિવસોમાં રાજકોટનું મહત્તમ તાપમાન 29થી 34 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે, જે સામાન્ય કરતા ઓછું રહેશે. ન્યૂનતમ તાપમાન 23થી 26 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. ભેજનું પ્રમાણ પણ 95% થી શરૂ થઈને 60% સુધી રહેવાની શક્યતા છે. માછીમારોને સમુદ્રમાં ન ઉતરવાની સલાહ આપવામાં આવી છે.