રાજકોટમાં તહેવારો દરમિયાન વાતાવરણમાં સતત થતા બદલાવને કારણે રોગચાળો વકર્યો છે. જેમાં પાણીજન્ય રોગો ટાઇફોઇડ અને કમળો ઉપરાંત મચ્છરજન્ય ડેંગ્યુનાં કેસોમાં પણ વધારો નોંધાયો છે. છેલ્લા પખવાડિયામાં ડેંગ્યુનાં 8, કમળાનાં 4 સહિત વિવિધ રોગનાં 2897 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ફોગીંગ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યારે પાણીજન્ય રોગચાળો રોકવા ક્લોરીનેશન સહિતની કામગીરી ઝડપી કરવામાં આવી છે.
મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 2,897 કેસ નોંધાયા પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા 2 સપ્તાહમાં મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 2,897 કેસ નોંધાયા હતા. જેમાં શરદી- ઉધરસનાં 1,412 કેસ, ઝાડા-ઉલટીનાં 185 જેટલા કેસ, સામાન્ય તાવનાં 1,291 કેસ નોંધાયા છે. અને જોખમી ટાઇફોઇડ તાવનો 1 કેસ અને કમળાનાં પણ વધુ 4 કેસ નોંધાયા હતા. મચ્છરજન્ય રોગચાળામાં ડેંગ્યુનાં 8 કેસ, મેલેરિયા 1 કેસ નોંધાયો હતો. જોકે આ આંકડાઓ માત્ર સરકારી આરોગ્ય કેન્દ્રોનાં છે. ત્યારે નાના-મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં લઈ તો દર્દીનો કુલ આંકડો 14,500 કરતા પણ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.