રાજકોટમાં વિશાળ ડોમહોવાથી મગફળી – સોયાબીનની હરાજીનું શુકન સચવાયું

દિવાળીના તહેવારની રજા પૂર્ણ થતાં જ રાજકોટ માર્કેટ યાર્ડ સોમવારથી ફરી ધમધમતું થયું છે ત્યારે માવઠાની આગાહીને કારણે સમગ્ર સૌરાષ્ટ્રના યાર્ડોમાં સોમવારે ઊઘડતી બજારે મગફળી અને સોયાબીનની હરાજી બંધ રાખવામાં આવી હતી અને એકમાત્ર રાજકોટ માર્કેટ યાર્ડમાં હરાજી ચાલુ રાખવામાં આવી હતી. રાજકોટ માર્કેટ યાર્ડમાં નવા વર્ષના મુહૂર્તના સોદામાં મગફળીનો ટેકાના ભાવ કરતા મણદીઠ રૂ.300 ઓછા ભાવે વેપાર થતાં જગતના તાતને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. જોકે સોમવારે 1000થી વધુ વાહન આવી જતા ટોકન સિસ્ટમ મુજબ મગફળી અને સોયાબીનના 200-200 વાહનોને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો.

ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષે મગફળીના ટેકાના ભાવ રૂ.1452 પ્રતિ મણ જાહેર કરાયા છે. જેના કરતા રાજકોટ યાર્ડમાં મણદીઠ રૂ.300થી 400 ઓછા ભાવે વેપાર થયો છે. ઓણ સાલ વરસાદની અનિશ્ચિતતા વચ્ચે કુદરત માર વચ્ચે પણ મગફળીનો પાક લેનાર ધરતીપુત્રોને મગફળીના ઓછા ભાવ ઉપજતા પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઇ છે. આ વર્ષે મગફળીની વધુ ઉપજને કારણે યાર્ડમાં ભારે આવક થઇ હોય તેથી ખેડૂતોને ઓછા ભાવ મળી રહ્યાનો સૂર ઉઠ્યો છે.

રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં માત્ર રાજકોટ યાર્ડમાં જ મગફળી અને સોયાબીનની હરાજી ચાલુ રાખવામાં આવી છે. આપણા યાર્ડમાં ડોમ હોવાથી એકપણ જણસી પલળી જાય તેવો ભય નથી. બીજુ આપણે ટોકન સિસ્ટમ કરી છે. મંગળવારે નવા ટોકન ઇસ્યૂ કરાયા નથી. આથી જે વાહનો પેન્ડિંગમાં છે તેમનો વારો આવી જશે. ત્યારબાદ બુધવાર માટે નવા ટોકન ઇસ્યૂકરાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *