રાજકોટ સિવિલમાં 10,500થી વધુ દર્દીઓની સારવાર કરાઈ, 189 મેજર અને 438 સામાન્ય ઓપરેશન થયા

રાજકોટમાં દિવાળીના તહેવારોમાં જ્યારે આખું શહેર રજાના માહોલમાં હતું અને ખાનગી હોસ્પિટલો પણ બંધ હતી, ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલનું તંત્ર સતત ખડેપગે રહ્યું હતું. અને તહેવારોમાં પણ નિયમિત ફરજ બજાવીને માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જેમાં સામાન્ય તાવથી લઈ ગંભીર અકસ્માત અને અન્ય જટિલ બીમારી સહિતના કેસોની સિવિલ હોસ્પિટલમાં અસરકારક સારવાર કરવામાં આવી હતી. આ દરમિયાન કુલ 10,500થી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. તેમજ 189 મેજર અને 438 સામાન્ય ઓપરેશન પણ કરાયા હતા.

પ્રાપ્ત વિગત મુજબ સિવિલ અધિક્ષક ડો. મોનાલી માકડીયાના નિરીક્ષણ હેઠળ આર.એમ.ઓ. ડો. દુસરા અને તેમની ટીમે દિવાળીના પાંચ દિવસના તહેવારોમાં હોસ્પિટલની ઈમરજન્સી સર્વિસને સતત ચાલુ રાખી હતી. તેમણે વધારાના સ્ટાફને સ્ટેન્ડ બાય રાખી ઓપીડી સહિતની તમામ સારવાર ચાલુ રાખવામાં આવી હતી. એટલું જ નહીં તજજ્ઞ તબીબોની ટીમ સાથે 100 બેડની વધારાની સુવિધા પણ તૈયાર કરવામાં આવી હતી, તેમજ દવાઓ – ડ્રેસિંગના સામાનનો પૂરતો સ્ટોક કરી લેવામાં આવ્યો હતો.

દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં સિવિલ અધિક્ષક ડો. મોનાલી માંકડિયાએ જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારોમાં સામાન્ય દિવસો કરતાં વધુ દર્દીઓ આવતા હોય છે. ખાનગી હોસ્પિટલો પાંચ દિવસ સુધી બંધ રહેતી હોવાથી ઇન્ડોર દર્દીઓની સંખ્યા પણ વધી જાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દરેક વોર્ડના વડા અને તબીબોને ફરજ પર સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપવામાં આવી હતી.

વધુમાં તેમણે જણાવ્યું કે, દિવાળી, બેસતા વર્ષ અને ભાઈબીજના તહેવારો દરમિયાન રાજકોટની સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલા આંકડા આ કામગીરીની પ્રતીતિ કરાવે છે. આ સમયગાળામાં કુલ 8815 ઓપીડી કેસ નોંધાયા હતા, જ્યારે 1897 દર્દીઓને ઈન્ડોર સારવાર આપવામાં આવી હતી. રજાના દિવસોમાં પણ સિવિલ હોસ્પિટલના તબીબો અને સ્ટાફે 189 મેજર સર્જરી અને 438 સામાન્ય સર્જરી (નાના ઓપરેશન) સફળતાપૂર્વક પાર પાડયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *