રાજકોટમાં રહેતા ખોખાણી પરિવારની પહેલ અને નિર્ણયે સમાજને એક નવી રાહ ચિંધી છે. ખોખાણી પરિવારના 87 વર્ષના ભાનુબેનને હ્દયરોગનો હુમલો આવતા તેનું નિધન થયું હતું.
એક બાજુ પરિવારના મહિલા મોભીનું નિધન થતા આ ઘડી તેમના માટે વ્રજ્રઘાત સમાન હતી.ત્યારે આવી દુખદ ઘડીમાં દીકરા અને પરિવારજનોએ મૃતકના ચક્ષુ અને ત્વચાદાનનો નિર્ણય લીધો હતો. તેના આ નિર્ણયથી બે લોકોને ચક્ષુદાન થકી તેના જીવનમાં પ્રકાશ પથરાશે તો ત્વચાદાન કરતા 20 દાઝેલા લોકોને નવી ચામડી મળશે.
આ અંગે વધુ માહિતી આપતા શ્રીમદ્દ રાજચંદ્ર ફાઉન્ડેશનના પ્રમુખ વિનયભાઈ જસાણીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ત્વચા અને ચક્ષુદાન મૃત્યુના 6 કલાકમાં લેવાતું હોય છે.
આખા ગુજરાતમાં એકમાત્ર રાજકોટમાં જ સ્કિન બેંક છે. સામાન્ય રીતે ચહેરા અને કપાળ તેમજ જ્યાં સ્કિન ડિસિઝ હોય તે જગ્યાને બાદ કરતા આખા શરીરની સ્કિન લઈ શકાતી હોય છે. આ બધી પ્રક્રિયા નિષ્ણાત તબીબ દ્વારા કરવામાં આવતી હોય છે. ત્વચા લીધા બાદ છ વર્ષ સુધી તેને સાચવી શકાય છે.
જે ત્વચા લેવામાં આવી છે તેેને સાચવીને જે રીતની જરૂરિયાત હોય તે મુજબ વાપરી શકાતી હોય છે. આ ત્વચા દાઝેલા લોકો માટે આશીર્વાદરૂપ બનતી હોય છે. ખોખાણી પરિવારનો આ નિર્ણય સમાજને પ્રેરણારૂપ સમાન છે. સમાજમાં ત્વચાદાનને લઇને લોકોમાં જાગૃતિ બહુ ઓછી છે.