બેલ્જિયમના એન્ટવર્પ શહેરની એક કોર્ટે શુક્રવારે ભાગેડુ ભારતીય હીરા વેપારી મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે કોર્ટે ભારતીય એજન્સીઓની વિનંતી પર બેલ્જિયમ પોલીસ દ્વારા ચોક્સીની ધરપકડ કાયદેસર હોવાનું ઠરાવ્યું હતું.
જોકે, ચોક્સીને હજુ પણ ઉચ્ચ અદાલતમાં અપીલ કરવાનો અધિકાર છે. જો તે અપીલ નહીં કરે અથવા તેની અપીલ નકારી કાઢવામાં આવે, તો તેને ભારત મોકલવાની પ્રક્રિયા આગળ વધશે.
ભારતીય તપાસ એજન્સીઓની પ્રત્યાર્પણ વિનંતીને પગલે બેલ્જિયમ પોલીસે 12 એપ્રિલના રોજ પંજાબ નેશનલ બેંક લોન છેતરપિંડી કેસમાં આરોપી મેહુલ ચોક્સીની ધરપકડ કરી હતી. તે હાલમાં જેલમાં છે.
ચોક્સી પર ₹13,850 કરોડની ઉચાપતનો આરોપ છે. મેહુલ તેની પત્ની પ્રીતિ ચોક્સી સાથે રહેતો હતો, જે બેલ્જિયમની નાગરિકતા ધરાવે છે. બેલ્જિયમના વિદેશ મંત્રાલયે અગાઉ ચોક્સીની હાજરીની જાણ કરી હતી.
ધરપકડ સમયે, મેહુલ ચોક્સી બેલ્જિયમ થઈને સ્વિટ્ઝર્લૅન્ડ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસે ચોક્સીની ધરપકડ કરતી વખતે 23 મે, 2018 અને 15 જૂન, 2021ના રોજ મુંબઈની એક અદાલત દ્વારા જારી કરાયેલા બે ધરપકડ વોરંટનો ઉલ્લેખ કર્યો હતો.