રાજકોટ મહાપાલિકા દ્વારા નવરાત્રી બાદ ચોમાસામાં ધોવાયેલા રસ્તાના રિપેરિંગ તેમજ નવા રોડના કામો પુરજોશમાં ચાલી રહ્યા છે. ત્રણેય ઝોનમાં એક્શન પ્લાન હેઠળ કામગીરી ચાલુ છે. આ દરમ્યાન, મહાપાલિકાએ વેસ્ટ ઝોનના નવા ભળેલા વિસ્તારો સહિતના છ વોર્ડમાં રૂ. 127.14 કરોડના ખર્ચે નવા ડિઝાઈન રોડ બનાવવાના ટેન્ડર પ્રસિદ્ધ કર્યા છે.રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી ટેન્ડરના નવા નિયમ મુજબ આ મોટું કામ એક સાથે કરવા માટે વેસ્ટ ઝોનના વોર્ડ નંબર 1,8, 9,10, 11 અને 12માં રોડ પહોળા કરવા અને નવા રોડ બનાવવાનું કામ હાથ ધરાશે.
નવા બનતા રોડમાં પહેલેથી ભૂગર્ભ લાઈન માટેની જગ્યા સહિતના પ્લાનિંગ અને ડિઝાઈનનો સમાવેશ કરવામાં આવ્યો છે. વેસ્ટ ઝોન વિસ્તારમાં ગત ચૂંટણી પહેલા ભળેલા મોટા મવા, માધાપર, મુંજકા, મનહરપુર અને ઘંટેશ્વરના અમુક રોડ પહોળા કરાશે. તેમજ જે સોસાયટીઓમાં રોડ-રસ્તાની સુવિધા ન હોય અને ગયા વર્ષે મેટલિંગ કામ પૂર્ણ થયું હોય ત્યાં પેવર રોડ બનાવવામાં આવશે. રીંગ રોડ-2 ઉપર ટ્રાફિકનું ભારણ વધતા, ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારોને જોડતા રોડને ભારે વાહનોનું વહન કરી શકે તે રીતે પહોળા અને મજબૂત બનાવાશે.
અન્ય સમાચાર રાજકોટ શહેરની રેમ્બો રેસીડેન્સીના પાર્કિંગમાં પડેલ કારમાં આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, વોર્ડ નં. 18, વિનોદનગર ટાંકા પાસે, રેમ્બો રેસીડેન્સી પાર્કિંગમાં પડેલ કારમાં આગ લાગી હોવાની માહિતી ફાયર વિભાગને મળતી હતી. બનાવની જાણ થતાં સાથે જ કોઠારીયા ફાયર સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ બનાવનું હાલ કોઈ ચોક્કસ કારણ જાણવા મળેલ નથી. આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી. આ તકે કોઠારીયા ફાયર સ્ટેશનના સાજિદભાઈ, પ્રેમજીભાઈ, જીજ્ઞેશભાઈ, મેહુલભાઈ, અર્જુનભાઈ પરમાર અને અર્જુનભાઈ ભરવાડ ઘટના સ્થળે હાજર રહ્યા હતા.