ઉપલેટામાં છેલ્લા એકાદ વર્ષથી મોજ નદીનો પુલ ભારે વાહનો માટે બંધ કરાયો હતો. જર્જરીત હાલતમાં હોવાથી ભારે વાહન ચલાવવા જોખમી લાગતા નિર્ણય લેતા યુથ કોંગ્રેસ દ્વારા આ જર્જરીત પુલને નવો બનાવવા અથવા સમારકામ કરી ખુલ્લો મુકવા માગણી કરતું આવેદનપત્ર મામલતદારને સુપ્રત કર્યું હતું.
મામલતદારને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ઉપલેટા શહેરમાંથી ધોરાજી-રાજકોટ જવા માટે મોજ નદીના પુલ ઉપરથી પસાર થવું ફરજીયાત છે પણ એકાદ વર્ષ કરતા વધુ સમય પહેલા પુલ જર્જરીત હોવાના રીપોર્ટને આધારે કલેકટર દ્વારા આ પુલની બન્ને તરફ મોટા એંગલો લગાવી ભારે વાહનો માટે પ્રવેશ બંધ કરી દીધો હતો.
મોજ નદીના પુલ ઉપર ભારેખમ વાહનો બંધ કરવાથી અવરજવર બંધ થતા બસ, ટ્રાવેલ્સ તેમજ અન્ય વાહનોને ફરીને ચાલવું પડે છે. જ્યારે નાગનાથ ચોકમાં બસ સ્ટેન્ડ હતું. આ બસ સ્ટેન્ડ હવે શોભાના ગાંઠીયા જેવું થઈ ગયું છે.
બસ ટ્રાવેલ્સ સહિતના વાહનો બંધ થતા મુસાફરોને ભાડે રીક્ષા કરી જીનમીલ ચોક અથવા બસ સ્ટેન્ડ જવું પડે છે ત્યારે શહેરની જનતાના હિતને ધ્યાનમાં રાખી જર્જરીત થયેલ મોજ નદીના પુલનું સમાર કામ કરો અથવા આ પુલ વહેલી તકે નવો બનાવી શહેરની જનતાને પડતી અગવડતાનો અંત લાવવા માગણી કરાઈ છે.
આવેદનપત્ર આપતી વેળાએ શહેર કોંગ્રેસના પ્રમુખ લક્ષ્મણ ભોયાળા, યુથ કોંગ્રેસના પ્રમુખ જયરાજસિંહ જાડેજા, ઉપપ્રમુખ નદીમ મકરાણી, મંત્રીઓ દિવ્યેશ સુવા, વિજય સોલંકી, ફેજાત પરમાર સહિત યુથ કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા.