રાજકોટમાં બનશે ખાટુશ્યામનું મંદિર, જયપુરથી 3 જ્યોત લવાશે

રાજકોટના જામનગર રોડ, માધાપર ચોકડીથી આગળ, ઘંટેશ્વર પાર્ક હોટેલની સામે શ્રી શ્યામ સખા પરિવાર ટ્રસ્ટ દ્વારા ભવ્ય મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. જેનું 7 મહિના અગાઉ કામ ચાલુ થયું છે અને આ કાર્ય પૂર્ણ થતાં એકથી દોઢ વર્ષનો સમયગાળો થશે.

આ અંગે ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અહીં કુલ 3 મંદિરનું નિર્માણ થશે. જેમાં મેઇન મંદિર ખાટુશ્યામ, બીજું સાલાસર હનુમાનજી તથા રાણીસતી દાદીનું હશે.

ખાટુશ્યામજી રાજસ્થાનના જયપુરથી આશરે 80 કિ.મી., રાણીસતી દાદી જયપુરથી 200 કિ.મી. તથા બાલાજી સાલાસર ખાતે બિરાજમાન છે. આ ઉપરાંત એક નાનું મંદિર પણ રહેશે, જેમાંશિવ દરબાર બિરાજશે. ખાટુશ્યામજીને કળિયુગના દેવતા કહેવામાં આવે છે.

મંદિર વિશે વધુમાં જણાવ્યું હતું કે, મંદિર કુલ 400 વાર જગ્યામાં બનશે તથા પહોળાઇ-લંબાઇ 62 X 62 હશે અને શિખરની ઊંચાઇ 41 ફૂટ રહેશે.

મંદિરમાં બંસી પથ્થરનો ઉપયોગ કરાશે તથા કુલ ખર્ચ 5 કરોડથી વધુ થશે. મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરમાં એક હોલ પણ બનાવવામાં આવશે જેમાં દરેક ધાર્મિક પ્રસંગો થઇ શકે.

આ ઉપરાંત વિશેષ વાત તો એ છે કે, રાજસ્થાનના આ ત્રણેય મંદિરેથી 3 જ્યોત લઇ આવવામાં આવશે. આ મંદિરના નિર્માણમાં મોટા ભાગે રાજસ્થાની(મારવાડી) જ્ઞાતિનો સહયોગ રહ્યો છે જેમાં રાજકોટ શહેરમાં 2000 વસ્તી છે.

મહાભારતમાં શ્યામજીનું બલિદાન ખાટુશ્યામનું નામ પહેલા બર્બરિક હતું. જે ઘટોત્કચના પુત્ર અને ભીમના પૌત્ર હતા. તેઓએ શિવજીની ઉપાસના કરી ત્યારે શિવજી પ્રસન્ન થયા અને તેમને 3 બાણ આપ્યા. તે બાણ એવા હતા કે જેનાથી આખી સૃષ્ટિ નાશ પામે. મહાભારતનું યુદ્ધ થવાનું હતું ત્યારે તેઓએ યુદ્ધ જોવા જાવાનું નક્કી કર્યું. તેમની માતાએ બે નિયમ આપ્યા.

તેઓ હાર્યાનો સહારો બને અને બીજું કે, કોઇ કંઇ પણ માગે તો આપી દેવું. આ વાત ભગવાન કૃષ્ણને ખબર પડતાં બર્બરિકને કહ્યું કે, પાંડવોને યદ્ધ લડવાનું છે, મારે સારથિ બનવાનું છે તેથી ભક્ત તરીકે પોતાનું માથું દાનમાં આપવાનું કહ્યું અને બર્બરિકે નિ:સ્વાર્થભાવે પોતાનું માથું કૃષ્ણ ભગવાનને અર્પણ કરી દીધું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *