માલની ગાડીની ઉતરાઇના મુદ્દે માથાકુટમાં ઇન્સ્પેકટરો દ્વારા બે શ્રમિકોને માર મરાતા મામલો બીચકયો

રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલા બેડી માર્કેટીંગ યાર્ડમાં આજે સવારના સમયે માલની ગાડીની ઉતરાઈના મુદ્દે થયેલી માથાકૂટમાં યાર્ડના બે ઈન્સ્પેક્ટરો દ્વારા બે શ્રમિકોને ઢોર માર મારવામાં આવતા યાર્ડના તમામ મજૂરો હડતાલ પર ઉતરી ગયા હતા. જેના પગલે થોડા કલાકો માટે કામકાજ ઠપ્પ બની ગયું હતું. જોકે, બાદમાં ચેરમેન જયેશ બોધરા દોડી ગયા હતા. અને બંને પક્ષની મીટિંગ કરાવી મામલો થાળે પાડ્યો હતો. જેને પગલે થોડા કલાકો બાદ કામગીરી પૂર્વવત થઈ હતી.

પ્રાપ્ત વિગત મુજબ બેડી માર્કેટીંગ યાર્ડમાં આશરે 3 થી 4 હજાર જેટલા મજૂરો કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ દરમિયાન માલની ગાડીની ઉતરાઈ બાબતે યાર્ડના બે ઈન્સ્પેક્ટરો અને બે શ્રમિકો તેજાભાઈ અને રાજાભાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી. વાત વણસતા તેજાભાઈ અને રાજાભાઈ નામના આ બંને મજૂરોને યાર્ડની ઓફિસમાં લઈ જઈ તેઓને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ હુમલાની ઘટનાની જાણ યાર્ડના અન્ય તમામ મજૂરોને થતાં મોટી સંખ્યામાં મજૂરોના ટોળા ઘટના સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા.

બે મજૂરો પર હુમલાના કારણે તમામ મજૂરોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો ત્યારબાદ યાર્ડના મજૂરો અને ઈન્સ્પેક્ટરો સામસામે આવી ગયા હતા. યાર્ડના ઈન્સ્પેક્ટરોના તુમાખીભર્યા વર્તન અને જોહુકમી સામે તમામ મજૂરોએ ઉગ્ર વિરોધ નોંધાવી હડતાલ પાડી દીધી હતી તેમજ આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા બંને શ્રમિકોને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બે મજૂરો પર થયેલા હુમલાના આ બનાવના પગલે યાર્ડના તમામ મજૂરોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો હતો, જેના વિરોધમાં મજૂરોએ કામગીરીનો બહિષ્કાર કરી હડતાલ પાડતા યાર્ડનું તમામ કામકાજ થંભી ગયું હતું. હડતાલના કારણે માર્કેટ યાર્ડમાં ખેતી જણસોના ઢગલા ખડકાઈ ગયા હતા અને હરરાજીની પ્રક્રિયા પણ અટકી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *