રાજકોટમાં દિવાળીના તહેવારમાં એકતરફ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે અલગ અલગ વોર્ડમાં નવી ડીઆઇ પાઇપલાઇનનું કનેકશન આપવા માટે આજે વોર્ડ નં.2ના ઘણા વિસ્તારો, વોર્ડ નં.8, 11 અને 13ના ઘણા ભાગોમાં 6થી 8 કલાક પાણી વિતરણ મોડુ થયું છે. નવી લાઇનમાંથી પાણીની સપ્લાય ચાલુ કરવા માટે પુરવઠો રોકવામાં આવ્યો હતો અને આવતીકાલે પણ કામગીરી ચાલુ રહેનાર હોવાનું જાણવા મળ્યું છે. આજે રૈયાધાર આધારીત સોજીત્રાનગર ઇએસઆરથી આજે પાણી વિતરણ મોડુ કરવામાં આવ્યું હતું. સોજીત્રા અને ન્યારી ડેમ આધારીત ન્યુ રાજકોટ સાથે જોડાયેલા વિસ્તારોમાં આજે પાણી બેથી પાંચ કલાક મોડુ થયું હતું. વોર્ડ નં.2ના અલ્કાપુરી, છોટુનગર, રંગઉપવન સોસા. સહિત અનેક વિસ્તારોમાં પાણી વિતરણ બે-ત્રણ કલાક મોડું થયું હતું. આજે સવારથી બપોર સુધી આ કામ ચાલ્યું હતું જે કારણે ચાર વોર્ડમાં વિતરણ પર અસર થઇ હતી. હજુ શહેરના અલગ અલગ વોર્ડ અને વિસ્તારમાં નવી લાઇનમાં જોઇન્ટ કરવાની કામગીરી ચાલી રહી છે. આ કારણે અલગ અલગ વિસ્તારમાં પાણી વિતરણ ઉપર અસર થવાની શક્યતા છે.
ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા પૂરી ગંગા સાગર સાથે કાશી રામલલ્લા દર્શન ટ્રેન દોડાવાશે. આ યાત્રા ભારત ગૌરવ ટ્રેન હેઠળ તા.: 23/10/2025થી 2/11/2025 (10 રાત્રી / 11 દિવસ)નું રાજકોટથી પ્રસ્થાન થશે. આ ટ્રેનમાં મુસાફરો રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી, નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, ઉજ્જૈન, સંત હીરદારામનગરથી બેસી શકશે. આ યાત્રા દરમિયાન ભારત ગૌરવ ટ્રેન દ્વારા જગન્નાથ પુરી, ગંગાસાગર, ગયા, બનારસ (કાશી), અયોધ્યાના દર્શન કરવાનો લાભ મળશે. મુસાફરોને ભજન કીર્તન અને મુસાફરીની માહિતી આપવા માટે ટ્રેનમાં ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. સુરક્ષા માટે દરેક કોચમાં પ્રાઇવેટ સુરક્ષા ગાર્ડ અને સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ રહેશે. આ ટૂર પેકેજની કિંમતમાં, IRCTC મુસાફરોને ટ્રેનની મુસાફરી ઉપરાંત આધુનિક કિચન કાર દ્વારા મુસાફરોને તેમની સીટ પર જ શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામાં આવશે, બસ દ્વારા પ્રવાસ સ્થળોની મુલાકાત, બજેટ હોટેલમાં રહેવાની વ્યવસ્થા, માર્ગદર્શિકા અને અકસ્માત વીમો વગેરે જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.