રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા વિકાસ સપ્તાહ-2025ની ઉજવણીના ભાગરૂપે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે કાલે મુખ્યમંત્રીના હસ્તે રાજ્ય કક્ષાનો લોકાર્પણ, ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાનાર છે. જેની સાથે કોર્પો. દ્વારા પી.એમ. સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ, મહાપાલિકાના રૂ.8.64 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ, ખાતમુહૂર્ત તથા રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સવારે 10:30 કલાકે રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે. તેમજ કેબિનેટ મંત્રી ભાનુ બાબરીયા, સાંસદ પરસોતમ રૂપાલા, રામ મોકરીયા, ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, ધારાસભ્ય ઉદય કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશ ટીલાળા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા સહિત મનપાનાં અધિકારીઓ અને પદાધિકારીઓ ખાસ હાજર રહેશે.
રાજય સરકારની કચેરીઓની જેમ મહાપાલિકાના તમામ કર્મચારીઓ અને અધિકારીઓને પણ તા.17 સુધીમાં પગારનું ચુકવણું થઇ જશે. તો મનપામાં પણ ત્રણ ટકા મોંઘવારી ભથ્થુ આપવામાં આવતા વર્ષે રૂ. 3.60 કરોડનો પગાર બોજ વધશે. રાજ્ય સરકારે ત્રણ ટકા મોંઘવારી ભથ્થુ જાહેર કરતા મનપાને પગારમાં દર મહિને રૂ.30 લાખનો ખર્ચ વધશે. સરકારની જેમ દરેક સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં પણ ભથ્થા લાગુ કરવામાં આવે છે. મનપામાં 4580 કાયમી કર્મચારી અને 3300 જેટલા પેન્શનર છે. વર્ગ-4ના કર્મચારીઓને પણ સરકારે કરેલી જાહેરાત મુજબ બોનસ ચુકવવાનું હોવાથી રૂ. 1.30 કરોડનું કુલ બોનસ મનપા દ્વારા ચુકવવામાં આવશે.