રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવતીકાલે તા.15ને બુધવારના સાંજના 5:30 કલાકે લેન્ડગ્રેબિંગની બેઠક તેમજ તા.16, 17 અને 18 એમ ત્રણ દિવસ મહેસુલ અપીલનું બોર્ડ કલેક્ટર ડો.ઓમપ્રકાશ દ્વારા બોલાવવામાં આવ્યું હતું. જેમાં લેન્ડગ્રેબિંગની બેઠકમાં 20 કેસ મૂકવામાં આવ્યા હતા. જ્યારે મહેસુલ અપીલના તા.16થી 3 દિવસ ચાલનારા બોર્ડમાં 90 કેસ સુનાવણી માટે મૂકવામાં આવેલા છે. જેમાં પ્રત્યેક દિવસ 30 કેસની સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી કલેક્ટર કચેરીમાં લેન્ડગ્રેબિંગની બેઠક રાજ્ય સરકારની નવી ગાઈડલાઈન મુજબ આયોજિત કરવામાં આવી રહી છે. જેમાં લેન્ડગ્રેબિંગ કમિટીના તમામ સદસ્યોને હાજરી આપવી ફરજિયાત કરવામાં આવી છે. લેન્ડગ્રેબિંગની બેઠકમાં પારકી મિલ્કત પચાવી પાડનારાઓ તેમજ સરકારી જમીન હડપ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. લેન્ડગ્રેબિંગની બેઠક પૂર્વે મોટાભાગના કેસોમાં સમાધાન અને કેસ ડ્રોપ કરાતા હોય માત્ર જૂજ કેસોમાં જ પોલીસ ફરિયાદનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. જ્યારે આવતીકાલથી ત્રણ દિવસ કલેક્ટર કચેરીમાં યોજવામાં આવેલ મહેસુલી અપીલના બોર્ડમાં 90 જેટલા કેસોની સુનાવણી હાથ ધરવામાં આવશે.
ભારતીય માનક બ્યૂરો (BIS)ની રાજકોટ અને ગાંધીધામ શાખા દ્વારા સંયુક્તપણે આજે ‘વિશ્વ માનક દિવસ’ નિમિત્તે માનક મહોત્સવ – 2025નું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ઉત્પાદનોમાં ઉચ્ચ માપદંડોનું પાલન કરીને દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપનારા સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગકારો, BIS અંગે જનજાગૃતિમાં ઉત્તમ ભૂમિકા નિભાવતા માધ્યમો તેમજ શાળાઓનું સાંસદ રામ મોકરિયાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે અખિલ ભારતીય લાયસન્સ મેળવનારા રાજકોટના બે ઉદ્યોગ ગોદાવરી પાઇપ્સ તથા લોકવેર ઇન્ડસ્ટ્રીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ દેશના વિકાસમાં ઉદ્યોગોની ભૂમિકાની સરાહના કરી હતી. તેમણે કહ્યું હતું કે, ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદન થકી અને તેની વિદેશમાં નિકાસ કરીને હૂંડિયામણ રળીને ઉદ્યોગકારો અર્થવ્યવસ્થામાં મહત્વનું યોગદાન આપે છે. વસ્તુઓ, ઉત્પાદનોના માનકીકરણમાં ભારતીય માનક બ્યૂરોના સતત પ્રયાસો અને કામગીરીની પણ તેમણે સરાહના કરી હતી. આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી અપીલને અનુસરવા અને સ્વદેશી વસ્તુઓ ખરીદવા, ઉપયોગ કરવા પર તેમણે ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં બી.આઈ.એસ. રાજકોટ શાખાના અધ્યક્ષ પારિજાત શુક્લાએ સ્વાગત પ્રવચન સાથે વિશ્વ માનક દિવસની પૂર્વભૂમિકા આપી હતી.