ગુજરાતના સિંહદર્શન માટેની સૌથી લોકપ્રિય ગીર સફારી બુકિંગ સિસ્ટમમાં મોટો કૌભાંડ બહાર આવ્યો છે. ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઇટ girlion.gujarat.gov.inનો દુરુપયોગ કરીને પરમિટની કૃત્રિમ અછત ઊભી કરી અને તેને બ્લેકમાં ત્રણ ગણા ભાવે વેચનાર ગેંગનો પર્દાફાશ થયો છે. સાયબર સેન્ટર ઑફ એક્સલન્સ, ગાંધીનગરની ટીમે સાસણગીર અને અમદાવાદમાંથી ત્રણ શખ્સોને ઝડપ્યા છે. તપાસમાં ખુલ્યું છે કે, આ ગેંગે ખોટી ઓળખ અને ખોટા આધાર કાર્ડ ફોટા વડે 12,800થી વધુ પરમિટનું ગેરકાયદે બલ્ક બુકિંગ કરીને કરોડોની કમાણી કરી હતી. પ્રવાસીઓ માટે મુશ્કેલી ઉભી કરીને આ ટોળકીએ નકલી વેબસાઇટો મારફતે ટિકિટોનું વેચાણ કરી બ્લેક બુકિંગનો મોટો ખેલ ખેલ્યો હતો.
ખોટી ઓળખ આપીને એડવાન્સમાં સફારી સ્લોટ બુકિંગ કરી લેતા સાયબર સેન્ટર ઑફ એક્સલન્સ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓ પોતાના આર્થિક ફાયદા માટે એક ચોક્કસ મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા હતા. જેમાં આરોપીઓ ખોટી ઓળખ આપીને સરકારી વેબસાઇટ પર કોઈપણ નામ લખી અને આધાર કાર્ડની જગ્યાએ ખોટા ફોટાનો ઉપયોગ કરીને એડવાન્સમાં મોટાપાયે બલ્કમાં સફારી સ્લોટ બુકિંગ કરી લેતા હતા.
આ બલ્ક બુકિંગના કારણે સામાન્ય પ્રવાસીઓ માટે પરમિટની કૃત્રિમ અછત ઊભી થતી હતી. આરોપીઓ પોતાની ભળતા નામવાળી 9 અનઅધિકૃત ખાનગી વેબસાઇટો મારફતે પ્રવાસીઓ પાસેથી સરકાર દ્વારા નક્કી કરેલા ધારાધોરણો કરતાં બેથી ત્રણ ગણા વધારે ભાવે આ કન્ફર્મ ટિકિટોનું અનઅધિકૃત રીતે વેચાણ કરતા હતા. મહત્વનુ છે કે, જાહેર રજાઓ અને તહેવારોના દિવસોમાં ભાવ આનાથી પણ વધુ વસૂલાતા હતા.