દૂધની ગાડી ભરવાના મુદ્દે યુવક અને તેના મિત્ર પર બે શખ્સનો હુમલો

મોરબી જિલ્લાના ટંકારા ગામે રહેતા અનિરુદ્ધભાઈ પ્રદ્યુમ્નભાઈ નિમાવત (ઉં.વ.40એ કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વિપુલ ઉર્ફે એક્કો અને બાબુ ઝાપડાના નામ આપ્યા છે.

અનિરુદ્ધભાઈએ જણાવ્યું હતું કે, તે ડ્રાઈવિંગ કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે અને છેલ્લા દશેક વર્ષથી દૂધસાગર રોડ પર આવેલી ગોપાલ ડેરી ખાતેથી દૂધ ભરી ટંકારા-મોરબી ખાતે ખાલી કરવાનું કામ કરે છે.

આ બાબતે છેલ્લા ઘણા સમયથી ટંકારા ખાતે રહેતા વિપુલ ઉર્ફે એક્કો તથા બાબુ ઝાપડા અને જગમાલ ઝાપડા સાથે ગાડી ભરવા બાબતે બોલાચાલી થતી હોઈ જે બાબતે અગાઉ તેણે પોલીસ ફરિયાદ કરી નહોતી, પરંતુ ગત તા.11મીએ સાંજના છએક વાગ્યે તે સોખડા ચોકડી ખાતે આવેલ ગેરેજે ઊભો હોય તે સમયે વિપુલ ઉર્ફે એક્કોનો તેને કોલ આવ્યો હતો.

વિપુલે ગાડી ભરવા બાબતે ખર રાખી ગાળો ભાંડી કહ્યું કે, આજ તું આવી જ તારો નેઠો કરી નાખવો છે. એમ કહી ગ્રીનલેન્ડ ચોકડીએ બોલાવ્યો હતો.

ત્યારબાદ તે તેના મિત્ર સાથે ગ્રીનલેન્ડ ચોકડીએ જવા નીકળ્યો ત્યારે વિપુલના શેઠ જગમાલનો તેને કોલ આવ્યો તેણે મોરબી રોડ, શિવશક્તિ હોટેલે બોલાવ્યો હતો. અનિરુદ્ધ તેના મિત્ર અજય બોરીચાને લઈને બેડી ચોકડી થઇ મોરબી રોડ જવા નીકળ્યો ત્યારે રતનપર ગામ રામમંદિર પાસે વિપુલે ગાડી આડી ઊભી રાખી બંને પર ધોકા વડે હુમલો કર્યો હતો.

દરમિયાન સફેદ કાર લઈને બાબુ ઝાપડા પણ આવી ચડ્યો હતો. એના હાથમાં લોખંડનો પાઈપ હોઈ તે પાઈપથી બંને મિત્રને આડેધડ માર માર્યો હતો. વધુમાં તેણે જગમાલ ઝાપડા અને તેની સાથે અજાણ્યાને પણ ત્યાં જોયો હતો. બંને મિત્રને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ મામલે કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *