રાજકોટ શહેરને પાણી પૂરું પાડતો આજી ડેમ ચોમાસામાં ઓવરફ્લો થયો છે અને ન્યારી ડેમ હજુ ઓવરફ્લો થવામાં અડધા ફૂટનું છેટું છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે દિવાળીના તહેવાર બાદ રાજ્ય સરકાર પાસે સૌની યોજના હેઠળ 2700 એમસીએફટી નર્મદાના નીરની માગણી કરવામાં આવનાર છે.
એક સમયે રાજકોટ શહેરની જીવાદોરી ગણાતા આજી અને ન્યારી ડેમ દર ચોમાસે ઓવરફ્લો થઇ જવા છતાં હવે વધી ગયેલી વસતી અને વિસ્તારોના વિકાસને કારણે પાણીની ડિમાન્ડ વધતા હવે આ બન્ને જળાશયના પાણી પૂરા પડતા નથી અને દર વર્ષે રાજકોટ મહાનગરપાલિકાને આજી અને ન્યારી ડેમ બે વખત ભરવા માટે સૌની યોજના હેઠળ રાજ્ય સરકાર પાસેથી 2700-2700 એમસીએફટી નર્મદાના નીર માગવા પડે છે.
સામાન્ય રીતે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે રાજકોટ મહાનગરપાલિકાને પત્ર પાઠવીને સૌની યોજના નર્મદાના નીરની જરૂરિયાત જણાવવા પત્ર લખવામાં આવે છે, પરંતુ આ વર્ષે સરકારનો પત્ર મળે તે પૂર્વે મહાનગરપાલિકા દ્વારા 2700 એમસીએફટી પાણી માગવા માટે આગોતરું આયોજન કરાયું છે.
મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે રાજ્ય સરકારને પત્ર લખી આજી ડેમ માટે 1800 એમસીએફટી અને ન્યારી ડેમ માટે 900 એમસીએફટી પાણીની ડિમાન્ડ કરવામાં આવશે.