રાજકોટના ગાંધીગ્રામ નાણાવટી ચોકમાં સાસરું ધરાવતી અને હાલ પાંચેક મહિનાથી ભીલવાસમાં માવતરે રિસામણે આવેલી ગુફુબેન અજય રંગપરા(ઉ.વ.25) નામની પરિણીતા સવારે પાંચેક વાગ્યે રેસકોર્સ રિંગ રોડ પર મહિલા પોલીસ સ્ટેશન નજીક હતી ત્યારે તેના પતિ અજય અને બે અજાણ્યા શખ્સે આવી ઝઘડો કર્યા બાદ પતિએ બળતરા થાય તેવો સ્પ્રે મોઢા પર છાંટી દઇ ભાગી જતાં તેણીને સારવાર માટે ખસેડાઇ હતી.
ગુફુબેન સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. ગુફુબેને જણાવ્યું હતું કે, પતિ સતત ઝઘડા કરતો હોઈ પાંચેક મહિનાથી હું ભીલવાસમાં મારા માવતરના ઘરે રહું છું.
રાતે પતિએ ફોનમાં ગાળો દઈ વહેલી સવાર સુધી તે માથાકૂટ કરતો હોઇ હું તથા મારો ભાઇ ભાવેશ અને ભાઈના મિત્રો ફરિયાદ કરવા માટે રિક્ષા મારફત મહિલા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં. આ વખતે પતિ પણ તેના બે મિત્રને લઇને ટૂવ્હિલરમાં આવ્યો હતો અને ઝઘડો કરી ગાળો દઇ મારી આંખમાં સ્પ્રે છાંટી ભાગી ગયો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
મેટોડામાં યુવકનો એસિડ પી આપઘાત મેટોડા ગેટ નં.1માં આવેલા અંજલિ પાર્કમાં રહેતાં દિલીપ જીવાભાઇ ખાણિયા(ઉ.વ.27) નામના યુવાને રાતે એસિડ પી લેતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ અહીં મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. વધુમાં યુવકે એસિડ પીધા બાદ વતન માધવપુર ઘેડ ખાતે પોતાના પિતા જીવાભાઇને ફોન કરી જાણ કરી હતી.