ગુજરાતના રાજકોટમાં આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા અને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક ભવ્ય પહેલ કરવામાં આવી છે. મહાનગરપાલિકાએ તા. 10થી 15 સુધી ‘સ્વદેશી મેળા-2025 – શોપિંગ ફેસ્ટીવલ’નું ખાસ આયોજન કર્યું છે. આ મેળો શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે સવારે 10થી રાત્રે 10 વાગ્યા દરમિયાન યોજાશે.આ મેળાનો મુખ્ય હેતુ ‘મેડ ઇન ઈન્ડિયા’ અને ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને વેગ આપવાનો તેમજ સ્થાનિક ઉદ્યોગકારો, હસ્તકલાકારો, લઘુ કારીગરો અને મહિલા સ્વસહાય જૂથોને વેચાણ અને પ્રદર્શન માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. મેળામાં હસ્તકલા, હેન્ડલૂમ, ખાદી વિભાગના ઉત્પાદનો અને પરંપરાગત ખાદ્ય વાનગીઓના વિવિધ ઝોનમાં સ્ટોલ્સ ગોઠવવામાં આવનાર છે. ત્યારે તંત્રએ લોકોને આ સ્વદેશી મેળાની મુલાકાત લઈને સ્થાનિક ઉદ્યોગોને સમર્થન આપીને આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવામાં સહભાગી બનવા અપીલ કરી છે.
અન્ય સમાચાર રાજકોટ રૂડા દ્વારા ખોખડદળ વિસ્તારમાં સૂચિત મુસદારૂપ નગર રચના યોજના નં. 57 (ખોખડદળ) બનાવવાની કામગીરીનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. બોર્ડ બેઠકના ઠરાવથી યોજના બનાવવાનો ઈરાદો જાહેર કરાયા બાદ, હવે યોજનાનો વિસ્તાર દર્શાવતો નકશો રૂડા કચેરીમાં જાહેર જનતાને જોવા અને સમજાવવા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. યોજનાનું ક્ષેત્રફળ 142.90 હેક્ટર છે. વિકાસ પામતા ખોખડદળ ગામ માટે આ મુસદારૂપ નગર રચના યોજના બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ખોખડદળ ટીપી સ્કીમ નં. 57ની ચતુર્દિશામાં ઉત્તરે લાપાસરીની ટીપી સ્કીમ નં. 58, દક્ષિણે ટીપી સ્કીમ નં. 56 (ખોખડદળ-વડાલી), પૂર્વમાં લાપાસરીની ટીપી સ્કીમ નં. 59 અને પશ્ચિમમાં ખોખડદળની ટીપી સ્કીમ નં. 54ની હદ આવેલી છે. આ યોજના અંગે જરૂરી સૂચનો પણ લેવામાં આવશે.