રાજકોટના વિદ્યાનગર મેઇન રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલ ખાતે એક અત્યંત સંવેદનશીલ અને જટિલ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 4 વર્ષની બાળકીનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો. દીવની રહેવાસી 4 વર્ષની બાળકીના શ્વાસનમાર્ગમાં છેલ્લા 22 દિવસથી બ્રેસલેટનો 1 સેન્ટિમીટર જેટલો મોટો ‘નઝરિયા’નો પારો એટલે કે મોતી ફસાયેલો હતો. ખાનગી હોસ્પિલના નિષ્ણાત ENT સર્જન ડૉ. હિમાંશુ ઠક્કરે પોતાની સુઝબુઝ અને કૌશલ્યથી આ અત્યંત મુશ્કેલ બ્રોન્કોસ્કોપી સર્જરી પાર પાડી બાળકીને નવજીવન આપ્યું છે.
બાળકી રમતા-રમતા બ્રેસલેટમાંથી પારો ગળી ગઈ હતી
બાળકીના પિતાના જણાવ્યા અનુસાર, આશરે 22 દિવસ પહેલાં રમતા-રમતા બ્રેસલેટમાંથી છૂટો પડેલો આ મોતી બાળકીના શ્વાસમાર્ગમાં ઊંડે ઉતરી ગયો હતો. ત્યારપછીના દિવસો પરિવાર માટે ભારે માનસિક યાતનાભર્યા રહ્યા હતા. બાળકી સતત સૂકી ઉધરસ અને શ્વાસ લેવાની તકલીફથી પીડાતી હતી. સ્થાનિક સ્તરે પ્રાથમિક સારવાર કરાવવામાં આવી હોવા છતાં તેને કોઈ રાહત મળતી ન હતી. શરૂઆતમાં લેવાયેલો ચેસ્ટ એક્સ-રે પણ સામાન્ય આવ્યો હતો, જેના કારણે સાચી પરિસ્થિતિનો તુરંત તાગ મળ્યો ન હતો. જોકે બાળકીની તકલીફ સતત વધતી રહેતાં પરિવારજનોએ વધુ તપાસ કરાવવાનું નક્કી કર્યું હતું. અંતે ચેસ્ટ સીટી સ્કેન કરવામાં આવતા સ્પષ્ટ થયું કે બાળકીની શ્વાસનળીના જમણા મુખ્ય ભાગ એટલે કે રાઇટ મેઇન બ્રોન્કસમાં કોઈ બાહ્ય વસ્તુ ગંભીર રીતે ફસાયેલી છે.
ડોક્ટરે રિજિડ બ્રોન્કોસ્કોપી દ્વારા મોતી કાઢવાનો નિર્ણય કર્યો
પરિસ્થિતિની ગંભીરતાને સમજીને પરિવારજનો તાત્કાલિક બાળકીને લઈને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં આવ્યા હતા. અહીં જાણીતા ENT સર્જન ડૉ. હિમાંશુ ઠક્કરે કેસની જટિલતા તપાસી અને સમય બગાડ્યા વિના જનરલ એનેસ્થેસિયા હેઠળ રિજિડ બ્રોન્કોસ્કોપી (Rigid Bronchoscopy) દ્વારા મોતી બહાર કાઢવાનો નિર્ણય લીધો હતો.
‘પારો કઠણ અને લપસણો હોવાથી કાઢવો મુશ્કેલ હતો’
આ સર્જરી ટેક્નિકલી ખૂબ જ પડકારજનક હતી. જમણા મુખ્ય બ્રોન્કસમાં ફસાયેલો આશરે 1 સેન્ટિમીટરનો નઝરિયાનો પારો ગોળ, ખૂબ જ કઠણ અને અત્યંત લપસણો હતો. સર્જન માટે સૌથી મોટો સવાલ એ હતો કે શ્વાસનળીની અંદર મોતી અને બ્રોન્કસની દિવાલ વચ્ચે ફોર્સેપ્સ મૂકવા માટે જગ્યા ખૂબ જ નગણ્ય હતી. મોતીનો ગોળાકાર અને લીસો આકાર હોવાથી તેને પકડવો મુશ્કેલ હતો અને તે એટલો કઠણ હતો કે તેને અંદર તોડીને ટુકડાઓમાં બહાર કાઢવો પણ શક્ય ન હતો. જરાક સરખી ચૂક થાય તો મોતી વધુ ઊંડે સરી પડે અથવા શ્વાસમાર્ગને કાયમી નુકસાન પહોંચે તેમ હતું.