ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારની સક્રિય સહાયતાથી છેલ્લા ઘણા વર્ષોથી ST નિગમને સમયાંતરે નવા વાહનો પૂરા પાડવામાં આવી રહ્યા છે, પ્રાપ્ત વિગતો અનુસાર, તાજેતરમાં જ રાજકોટ એસટી વિભાગને 20 નવી AC બસની ફાળવણી કરવામાં આવી હતી. હવે ફરી મુસાફરો માટે સારા સમાચાર છે કે, દિવાળીના તહેવાર બાદ વિભાગને વધુ 10 નવા AC વાહનોની ફાળવણી થવાની શક્યતા છે.
વધુ 10 AC બસ ઉમેરાતા રાજકોટ એસટી વિભાગનો પ્રીમિયમ કાફલો વધુ મજબૂત બનશે. હાલમાં રાજકોટ એસટી વિભાગ પાસે અંદાજિત 20 ઇલેક્ટ્રિક AC અને 30 AC તથા વોલ્વો બસ મળીને કુલ 50 જેટલી પ્રીમિયમ બસનો કાફલો છે. દિવાળી બાદ વધુ 10 AC વાહનો ઉમેરાતા આ પ્રીમિયમ બસનો કાફલો વધીને 60 જેટલો થઈ જશે. એસટી વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, ટૂંક સમયમાં જ પ્રીમિયમ સર્વિસની બસ ઉપરાંત મુસાફરો માટેની સાદા વાહનોની ફાળવણી પણ કરવામાં આવનાર છે. સંભવતઃ આગામી દિવસોમાં રાજ્યના જુદા જુદા એસટી ડિવિઝનોને મોટા પાયે નવા વાહનોની ફાળવણી કરવામાં આવશે. આ નિર્ણયથી લાંબા અંતરની મુસાફરી કરતા સામાન્ય મુસાફરોને પણ નવી અને આરામદાયક બસ સેવાનો લાભ મળશે.