રાજકોટ મનપા દ્વારા વર્ષ 2018માં કાર્પેટ આધારિત મિલકતવેરો વસુલવાની શરૂઆત થવા સાથે ઓનલાઈન પેમેન્ટની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે ઓનલાઈન પેમેન્ટનો લાભ લેનારા પ્રમાણિક કરદાતાઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. એપ્રિલથી જુલાઈ સુધીના નવા નાણાંકીય વર્ષના પહેલા 6 મહિનામાં જ પોણા ત્રણ લાખથી જેટલા પ્રમાણિક કરદાતાઓએ કુલ રૂ. 186.33 કરોડનો વેરો ઓનલાઈન ભરપાઈ કર્યો છે. જેને લઈને ચાલુવર્ષે ઓનલાઈન વેરો ભરવામાં નવો રેકોર્ડ સર્જાય તેવી પૂરતી શક્યતા છે. ગુજરાતમાં એકમાત્ર રાજકોટ મનપામાં સર્વિસ ચાર્જને બદલે ઉલટું વળતર અપાય છે, જેના કારણે વધુમાં વધુ લોકો ઓનલાઈન વેરો ભરતા થયા છે.
મહિલા કરદાતાઓને 15થી 16 ટકા ડિસ્કાઉન્ટ હાલમાં ગુજરાતમાં રાજકોટ મહાપાલિકા એક જ એવી મહાનગરપાલિકા છે કે જે ઓનલાઈન પેમેન્ટ પર સર્વિસ ચાર્જ લેવાને બદલે નિયત સમય મર્યાદામા વેરો ભરનારા કરદાતાઓને વળતર યોજનાનો લાભ આપે છે. એટલું જ નહીં પણ, મહાનગરપાલિકાએ બેંકો સાથે સંકલન કરીને કરદાતાઓને વધારોનો કોઈ ચાર્જ ન લાગે તે માટે પણ આયોજન કર્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવા નાણાંકિય વર્ષ દરમિયાન એપ્રિલથી જૂન માસ સુધી એડવાન્સ વેરો ભરનારા કરદાતાઓને વળતર આપવામાં આવે છે. ડિજીટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે ઑનલાઇન વેરો ભરનારાને નિયત વળતર કરતા એક ટકાનું વધારાનું વળતર મળે છે. સાથોસાથ સળંગ ત્રણ વર્ષ સુધી ઓનલાઈન વેરો ભરનારાને વધુ એક ટકા લેખે વળતર આપીને પુરૂષ કરદાતાઓને 12% તેમજ મહિલા કરદાતાઓને 15થી 16 ટકા વળતર અપાય છે.
મનપાના વેરા વિભાગના મેનેજર વત્સલ પટેલ જણાવ્યા અનુસાર, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઓનલાઈન મિલકત વેરો ભરનારા કરદાતાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2018-19માં 71,000 જેટલા કરદાતાઓ દ્વારા રૂ. 40.38 કરોડની રકમ ભરવામાં આવી હતી. જે વધીને વર્ષ 2023-24 માં 2.33 લાખ કરદાતાઓ દ્વારા રૂ.161.38 કરોડ થઈ હતી. અને ચાલુ નાણાકીય વર્ષ (2024-25) માં પણ અત્યાર સુધીમાં 2.70 લાખ કરદાતાઓ દ્વારા રૂ. 186.33 કરોડ ની રકમ ભરપાઈ કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે ચાલુ વર્ષમાં અત્યાર સુધી 2.68 લાખ કરદાતાઓ દ્વારા રૂ. 206.7 કરોડ ની રકમ ભરપાઈ કરવામાં આવેલી છે.