પ્રેમમાં ગળાડૂબ ત્યક્તા અને પરિણીત યુવકનો ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત

પરિવાર એક થવા નહીં દે તેવા ભયથી 20 દિવસ પહેલાં ઘરેથી નીકળી ગયેલી શાપરની ત્યક્તા અને પારડીના યુવકે કાંગશિયાળી રેલવે ટ્રેક પર પડતું મૂકી સજોડે આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ, શાપરની સર્વોદય સોસાયટીમાં રહેતી મધુબેન જેન્તીભાઇ રાઠોડ(ઉ.વ.25) અને પારડી ગામે રહેતો પરષોત્તમ મગનભાઇ ચાવડા(ઉં.વ.36) છેલ્લા 20 દિવસથી ઘરેથી નીકળી ગયા હોય જેથી બંનેના પરિવારે આ અંગે શાપર પોલીસ મથકમાં ગુમ થયા અંગેની નોંધ કરાવી હતી.

દરમિયાન સોમવારે વહેલી સવારે કાંગશિયાળી ગામની સીમમાં આવેલા રેલવેના પાટા પર કપાયેલી હાલતમાં બે મૃતદેહ હોય તેવી માહિતી મળતા શાપર પોલીસ મથકના સ્ટાફને મળી આવતા પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ પ્રાથમિક તપાસ બાદ બંને મૃતદેહની ઓળખની તજવીજ હાથ ધરી હતી. પોલીસે 20 દિવસ પૂર્વે ગુમ થયેલા યુવક-યુવતીના પરિવારને અહીં બોલાવી ઓળખ કરાવતા બંનેને ઓળખી બતાવ્યા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, મૃતક મધુના લગ્ન થયા હોય જે બાદ પતિ સાથે મનમેળ ન થતાં છૂટાછેડા થઈ ગયા હતા.જ્યારે પરષોત્તમ પરિણીત હતો અને છૂટક મજૂરી કરતો હતો. તેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. તે બે ભાઇમાં મોટો હતો. પરષોત્તમ અને મધુ વચ્ચે ગળાડૂબ પ્રેમ હોઇ સમાજ એક નહિ થવા દે તેવી બીકે બંને વીસેક દિવસ પહેલાં ગાયબ થઇ ગયા હતાં. પરિવારજનોએ શોધખોળ કરવા છતાં મળ્યા ન હતા. જો કે, બન્નેની લાશ મળી આવતા પરિવારમાં શોક છવાઈ જવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *