સૌરાષ્ટ્ર યુનિ.માં હેડશિપ બાય રોટેશન અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલ જેવા મુખ્ય સત્તામંડળમાં SC, ST અને OBC ના ઉમેદવારોને અન્યાય મામલે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરીની આગેવાનીમાં કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસન પાસેથી ભવન અધ્યક્ષનું પદ ચાલ્યું જતા તેઓ હાઇકોર્ટમાં ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ વચ્ચે યુનિવર્સિટીમાં પ્રોફેસર, અધિકારીઓ અને કર્મચારીઓની ભરતીમાં પણ ઉપરોક્ત જ્ઞાતિઓને થતો અન્યાય દૂર કરવા માટેની માંગણી કરવામાં આવી હતી તો અંતમાં કુલપતિની ચેમ્બરમાં દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ન હોવા અંગે પણ સવાલ ઊભા કર્યા હતા.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી મહેશ રાજપૂતે કુલપતિ ડૉ. ઉત્પલ જોશીને કરેલી રજૂઆતમાં જણાવ્યુं હતુं કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હેડશીપ બાય રોટેશનના નિયમ મુજબ ભવનના અધ્યક્ષોને બદલવામાં આવ્યા. જેમાં SC, ST અને OBCના લોકોને રાખવામાં આવ્યા નથી. એક SC ઉમેદવાર હેડ હતા તો તેને પણ 5 વર્ષનું બહાનુ આપી અને દૂર કરવામાં આવ્યા અને પ્રોફેશન ઉપરના પ્રોફેસરને હેડ બનાવવામાં આવ્યા. આ ઉપરાંત યુનિવર્સિટીમાં પ્રોફેસર, અધિકારીઓ અને કર્મચારીઓની ઘણી બધી જગ્યાઓ ખાલી છે અને તેમાં SC, ST અને OBCની જગ્યા ખાલી હોવા છતાં પણ ભરતી કરવામાં આવી છે. મોટા પદ ઉપર અન્ય જ્ઞાતિઓને મૂકવામાં આવે છે. આ સાથે જ યુનિવર્સિટીના મુખ્ય સત્તા મંડળ ગણાતા બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એકેડમીક કાઉન્સિલમાં ઘણી જગ્યાઓ ખાલી હોવા છતાં નિમણૂક કરવામાં આવી નથી. જેથી, આ જ્ઞાતિઓને થતો અન્યાય દૂર કરવામાં આવે તેવી અમારી માંગણી છે