રાજકોટનાં ઓમનગર BRTS બસ સ્ટોપમાં બસ ડ્રાઇવરે મુસાફરને માર માર્યાનો વિડીયો ભારે વાયરલ થયો છે. જે વિડીયોમાં બસ ડ્રાઇવર મુસાફરને ફડાકો મારતો હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે. આ વીડિયોને લઈને સિટિબસની સેવા પર ફરી એકવાર સવાલો ઉઠ્યા હતા. જોકે તંત્રએ આ મામલે સ્પષ્ટતા કરી છે. જેમાં જણાવાયું છે કે, આ વિડીયોમાં માત્ર બસ સ્ટોપ પર થયેલી વાત બતાવવામાં આવી છે. આ પહેલા બે મુસાફરોએ કોઈ બાબતે ડ્રાઇવર સાથે ગાળાગાળી કરી હતી. એટલું જ નહીં ડ્રાઇવરને માર મારી તેનો યુનિફોર્મ પણ ફાડી નાખ્યો હતો. બાદમાં બસસ્ટોપ પર આ ઘટના બની હતી. જેમાં ડ્રાઇવરે તેના બચાવમાં હાથ ઉપાડ્યો હતો. જોકે આ માટે ડ્રાઇવરને પણ મુસાફર સાથે સભ્યતાથી રહેવા સૂચના આપવામાં આવી છે. આ બનાવને કારણે બસસેવાને કોઈ અસર થઈ નથી. માત્ર એક બસ 10 મિનિટ લેઈટ થઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ ઓમનગર બીઆરટીએસ સ્ટોપમાં ડ્રાઇવર તેમજ મુસાફર વચ્ચે બોલાચાલી થતી હોવાનો અને બાદમાં ડ્રાઇવર દ્વારા એક મુસાફરને ફડાકો ઝીંકી દેવાયો હોવાનો વિડીયો સામે આવ્યો હતો. આ બનાવને લઈને મનપા સંચાલિત સિટિબસ સેવાના ડ્રાઇવર દ્વારા દાદાગીરી કરવામાં આવી હોવાની વાતો વહેતી થઈ હતી. અને મનપાની સિટિબસ સેવા સામે સવાલો ઉઠ્યા હતાં. અવારનવાર વિવાદોમાં રહેતી સિટિબસ સેવામાં લોકોને યોગ્ય સુવિધાઓ મળતી નહીં હોવાની અને સ્ટાફ દ્વારા મુસાફરો સાથે દાદાગીરી કરવામાં આવતી હોવાની પણ વાતો વહેતી થઈ હતી.
આ સમગ્ર મામલે મનપામાં સિટિબસ સેવાનો હવાલો સંભાળતાં પરેશ અઢીયાએ દિવ્યભાસ્કર સાથે કરેલી ટેલીફોનિક વાતચીતમાં આખા બનાવની સ્પષ્ટતા આપી હતી. પરેશ અઢીયાએ જણાવ્યું હતું કે, આ વીડિયો જ અધૂરો છે. વિડીયોમાં જોવા મળતી ઘટના પહેલા બસમાં બે મુસાફરોએ બસ રોકવાની સામાન્ય બાબતને લઈને ડ્રાઇવર સાથે ગાળાગાળી કરી હતી. એટલું જ નહીં આ બસ ડ્રાઇવર સાજીદભાઈને માર મારી તેનો યુનિફોર્મ પણ ફાડી નાખ્યો હતો. ત્યારબાદ બસસ્ટોપ ઉપર જે ઘટના બની તેમાં ડ્રાઇવરે પોતાના બચાવમાં ફડાકો માર્યો હતો, જેનો વિડીયો બનાવી વાયરલ કરવામાં આવ્યો છે.