સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજીસ્ટ્રારની જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં કાયમી કુલસચિવ તરીકે નિમણૂક થતા અહીં ફરી રજીસ્ટ્રારનો ચાર્જ કોને સોંપવો તેની મથામણ શરૂ થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જૂન – 2011 પછી કાયમી કુલસચિવની જગ્યા લાંબા સમય સુધી ખાલી રહી. જેથી આ પદ ઉપર ઇન્ચાર્જ અધિકારીને બેસાડવામાં આવતા વહીવટ ડામાડોળ થઈ ગયો. આ વચ્ચે 12 વર્ષ બાદ ઓગસ્ટ – 2023 માં કાયમી કુલસચિવ તરીકે રાજકોટ કોર્પોરેશનના સેક્રેટરી ડૉ. રૂપારેલીઆની નિમણૂક થઈ હતી. જોકે માત્ર 4 માસના ટૂંકા ગાળામાં તેમણે રાજીનામું આપી દેતા ફરી જગ્યા ખાલી પડી.
આ વચ્ચે હાલ ઇન્ચાર્જ રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા ડૉ. રમેશ પરમારની જૂનાગઢ યુનિવર્સિટીમાં કાયમી કુલસચિવ તરીકે નિમણૂક થઈ. જેથી ઇન્ચાર્જ રજિસ્ટ્રાર કોને બનાવવા તે માટેની મથામણ શરૂ થઈ છે. જોકે, દિવાળી બાદ કાયમી કુલસચિવના ઇન્ટરવ્યૂ થવાના છે, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કાયમી રજીસ્ટ્રાર મળી જાય તેવી પૂરેપૂરી સંભાવના છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્થાપનાકાળથી એટલે કે વર્ષ 1967 થી અત્યાર સુધીમાં 12 કાયમી કુલસચિવ થઈ ગયા. જેમાં વર્ષ 2011માં ગજેન્દ્ર જાનીની નિમણૂક કરવામાં આવ્યા બાદ તેમની ભરતીમાં વિવાદ થતા કોર્ટના આદેશ બાદ પદ પરથી દૂર કરવામાં આવ્યાં. જેના 12 વર્ષ સુધી એક પણ કાયમી કુલસચિવની નિમણૂક ન થઈ. જેથી એક દાયકાથી વધુ સમય સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વહીવટ ઇન્ચાર્જ રજીસ્ટ્રારના હવાલે ખાડે ગયો. જે પછી ઓગસ્ટ – 2023માં રાજકોટ કોર્પોરેશનના સેક્રેટરી ડૉ. હરીશ રૂપારેલીઆની નિમણુક કરવામાં આવી જોકે તેના ચાર માસમાં જ એટલે કે નવેમ્બર – 2023માં તેમને કાયમી કુલસચિવ પદેથી રાજીનામું ધરી દીધું. જેમાં તેમની નોકરી સળંગ ગણવામાં આવતા પગારમાં નુકસાન થતું હોવાનું કારણ હોવાનું સામે આવ્યુ હતુ.