રાજકોટમાં આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં લઈને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ મીઠાઈ તેમજ ફરસાણનાં વેપારીઓ ઉપર સઘન સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-હેઠળ, વિભાગની ટીમોએ આજે કુલ 44 એકમોની ચકાસણી કરી હતી અને ગુણવત્તાના ધોરણોની તપાસ માટે મીઠાઈ તેમજ ફરસાણના કુલ 36 નમૂનાઓ લીધા હતા. નમૂનાઓને વધુ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ નમૂના ફેલ થવાની સ્થિતિમાં સંબંધિત વેપારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
નમૂના લેવાની કાર્યવાહી ઉપરાંત, ફૂડ વિભાગે એકમો પર સ્વચ્છતા (હાઇજેનિક કન્ડિશન) અને પેકેજિંગના ધોરણોની પણ ચકાસણી કરી હતી. આ તપાસમાં કુલ 9 જેટલા ધંધાર્થીઓ ખાદ્ય પદાર્થોના જથ્થા પર ‘યુઝ બાય ડેટ’ દર્શાવવામાં નિષ્ફળ રહ્યા હતા, જે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ નિયમોનું ઉલ્લંઘન ગણાય છે. જેને લઈ બાલાજી ફરસાણ (કૃષ્ણનગર મેઇન રોડ), આશા ફરસાણ (કૃષ્ણનગર મેઇન રોડ), પટેલ ફરસાણ (અંબાજી કડવા પ્લોટ મેઇન રોડ), ભગવતી ફરસાણ (ગુરુપ્રસાદ ચોક), શ્રી ખોડિયાર ડેરી ફાર્મ 80 ફૂટ’ રોડ), જય સિયારામ ફરસાણ હાઉસ (ગોકુલધામ મેઇન રોડ), ગાત્રાળ ડેરી ફાર્મ (150 ફૂટ રિંગ રોડ), અંબીકા ફરસાણ (150 ફૂટ રિંગ રોડ) અને બાલાજી ફરસાણ માર્ટ (રૈયા રોડ) સહિત તમામ એકમને હાઇજેનિક કન્ડિશનનો અભાવ અને ‘યુઝ બાય ડેટ’ ન દર્શાવવા, એમ બે મુદ્દાઓ પર નોટિસ અપાઈ હતી.