CBSEએ વિદ્યાર્થીઓ, શિક્ષકો, કાઉન્સેલરો અને વાલીઓને માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી વિશે માર્ગદર્શન આપવા માટે એક અનોખી પહેલ કરી છે. CBSEએ AIIMS, નવી દિલ્હીના સહયોગથી 4થી 10 ઓક્ટોબર 2025 દરમિયાન ‘વર્ચ્યુઅલ મેન્ટલ હેલ્થ સિરીઝ’નું આયોજન કર્યું છે.
આ શ્રેણીનો મુખ્ય ઉદ્દેશ શાળા સમુદાયોમાં માનસિક સુખાકારી અને મનોવૈજ્ઞાનિક સ્થિતિસ્થાપકતાને પ્રોત્સાહન આપવાનો છે. વિદ્યાર્થીઓને ચિંતા-તણાવ સામે મજબૂત બનવા અને હકારાત્મક રહેવાની તાલીમ અપાશે. AIIMSના ટોચના તજજ્ઞો વિદ્યાર્થીઓ, શિક્ષકો, કાઉન્સેલર, વાલીઓમાં માનસિક આરોગ્ય અંગે જાગૃતિ કેળવશે.
CBSE સચિવ હિમાંશુ ગુપ્તાએ જણાવ્યું કે, આ પહેલ દ્વારા વિદ્યાર્થીઓને તણાવ, ચિંતા, અભ્યાસપ્રેશર, ડિજિટલ ડિસ્ટ્રેક્શન અને નેગેટિવ થોટ્સ સામે મજબૂત બનાવવાનો ઉદ્દેશ છે. ‘હેલ્ધી માઇન્ડ વિથ પોઝિટિવ એટિટ્યૂડ’ વિકસાવવાની દિશામાં આ કાર્યક્રમ માર્ગદર્શક સાબિત થશે. દરરોજ સવારના 11થી 12 કલાક સુધી Webex પ્લેટફોર્મ પર લાઇવ સત્ર યોજાશે.