ઢેબર રોડ નજીક ન્યૂ લાલબહાદુર સોસાયટી મેઇન રોડ પર આવેલી શ્રી શક્તિ પ્રોવિઝન સ્ટોર બંધ કરાવવાના મામલે 15 વર્ષ પહેલાં થયેલી બોલાચાલીનો ખાર રાખી વેપારી અને તેના મિત્ર પર હુમલો કરવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે આઠ શખ્સને દોષિત ઠેરવીને 3- 3 વર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે.
દંડની રકમમાંથી ફરિયાદી અને શાહેદને વળતર ચૂકવી અને બાકીની રકમ સરકારમાં જમા કરાવવાનો અદાલતે આદેશ કર્યો છે.
આ કેસની વિગત એવી છે કે, ન્યૂ લાલબહાદુર સોસાયટીમાં રહેતા અને શ્રી શક્તિ પ્રોવિઝન સ્ટોરના નામે વ્યવસાય કરતા કીર્તિરાજસિંહ હકૂમતસિંહ ઝાલા અને તેના મિત્ર શક્તિસિંહ ઝાલા તથા ભરતસિંહ રાયઝાદા દુકાને બેઠા હતા.
ત્યારે તા.6-4-2011ના રોજ સાગર સોસાયટીમાં રહેતા રાકેશ જેઠા કાનગડ, કોઠારિયા મેઇન રોડ નજીક પારસ સોસાયટીમાં રહેતા ચિરાગ ચતુર મોલિયા, હરિ ઘવા મેઇન રોડ પર ભવનાથ સોસાયટીમાં રહેતા અંકુર વિનોદ હાપલિયા, કિરણ સોસાયટીમાં રહેતા ચિંતન ઉર્ફે ભૂરો ગોવિંદ કાંજિયા, નેહરુનગરમાં ક્રિષ્નાપાર્કમાં રહેતો કલ્પેશ લાખા બાલાસરા, તેનો ભાઇ વનરાજ લાખા બાલાસરા, સૂર્યદેવ સોસાયટીમાં રહેતા હરદીપસિંહ પ્રવીણસિંહ રાણા અને ગોકુલ પાર્કમાં રહેતો રમેશ દેવરાજ ગજેરા સહિતના આઠ શખ્સે દુકાન બંધ કરવાનું કહી વેપારીને બેઝબોલના ધોકાથી માર માર્યો હતો.