રાજકોટ શહેરમાં છેલ્લા બે દિવસથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ પોતાની બેટિંગ શરૂ કરી છે. શનિવારે બે ઇંચ વરસાદ વરસ્યા બાદ આજે બપોરે 12:00 વાગ્યા સુધીમાં સવા ઇંચ વરસાદ વરસી ગયો છે. જ્યારે સિઝનનો 35 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે રાજકોટ શહેરના 20 લાખ લોકોની જીવાદોરી સમાન આજી – ડેમ ઓવરફ્લો થવાને આરે છે. વરસાદને કારણે શહેરના તમામ વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને તેમાં પણ ખાડાઓને કારણે વાહન ચાલકોએ ખૂબ જ મુશ્કેલી ભોગવી હતી. અમુક જગ્યાએ ખાડાના કારણે અકસ્માત થતા વાહન ચાલકોને ઈજા પણ પહોંચી હતી.
રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકામાં આવેલો આજી-1 ડેમ 100 ટકા ભરાઈ ગયેલો છે. પાણીની આવક થતા ઓવર ફ્લોની સ્થિતિમાં ડેમના દરવાજા ખોલવામાં આવે તેમ હોય નદીના પટમાં કોઈએ અવરજવર કરવી નહીં. બેડી, રાજકી, માધાપર, થોરાળા સહિતના અસરગ્રસ્ત ગામોના લોકોને સુરક્ષિત જગ્યાએ ખસી જવા માટે સૂચના આપવામાં આવે છે.