રાજકોટનાં 6 સ્થળો પર ફાયર વિભાગ અને પોલીસનો બંદોબસ્ત ગોઠવાશે

સમગ્ર ગુજરાતની જેમ, રાજકોટ શહેરમાં પણ ગણપતિ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભક્તો દ્વારા સ્થાપિત કરવામાં આવેલી ગણેશ પ્રતિમાઓનું આવતીકાલે વિસર્જન થવાનું છે. આ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ કે દુર્ઘટના ન બને તે માટે રાજકોટ મહાનગરપાલિકાનો ફાયર વિભાગ સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગયો છે. ફાયર વિભાગ દ્વારા શહેરના જુદા-જુદા 6 સ્થળોએ ગણપતિ વિસર્જન માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, અને દરેક સ્થળે 20-22 કર્મચારીઓનો સ્ટાફ તહેનાત કરવામાં આવ્યો છે. લોકોને નિર્ધારિત જગ્યા સિવાય અન્ય કોઈપણ સ્થળે વિસર્જન નહીં કરવાની અપીલ કરાઈ છે.

રાજકોટ મનપાના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઇન્ચાર્જ અશોકસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા આયોજિત ગણેશ વિસર્જનની વ્યવસ્થા અંતર્ગત કુલ 6 સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. આ સ્થળો પર જ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે. આ સ્થળોમાં આજી ડેમ ઓવરફ્લોથી ઉપરના ત્રણ સ્થળોનો સમાવેશ થાય છે, જેમાં ખાણ નંબર 1, ખાણ નંબર 2 અને નાનો ચેક ડેમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, નેરા પાટિયા પાસે, જખરાપીર-મવડી અને વાગુદર (બાલાજી વેફરની સામેનો રોડ) ખાતે વિસર્જનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ તમામ સ્થળોએ ફાયર વિભાગ, પોલીસ અને અન્ય સંબંધિત વિભાગોનો સ્ટાફ હાજર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *