રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન સર્વેલન્સ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 11 પ્રખ્યાત પેઢીઓ અને રેસ્ટોરન્ટ્સમાં તપાસની કામગીરી કરવામાં આવી હતી. સમગ્ર તપાસ દરમિયાન માનવ આરોગ્ય માટે અત્યંત હાનિકારક પીઝા બેઇઝથી લઈને ફ્રોઝન સમોસા અને વાસી મીઠાઈ સહિત 122 કિલો અખાદ્ય અને વાસી ખોરાકનો જથ્થો મળી આવ્યો હતો, જેને ફૂડ વિભાગે સ્થળ પર જ જપ્ત કરીને તેનો સંપૂર્ણ નાશ કર્યો હતો.
આ ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરનારી 1 પેઢીને સ્ટોરેજ વ્યવસ્થા, ફૂડ લાઇસન્સ તેમજ હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે કડક નોટિસ આપવામાં આવી હતી અને તમામ કસૂરવાર વેપારીઓ પાસેથી કુલ રૂ. 13,000ની પેનલ્ટી વસૂલ કરવામાં આવી હતી.
પીઝા કન્ટ્રી કિચન રેસ્ટોરંટને 5 હજારનો દંડ ફૂડ વિભાગ દ્વારા પોશ વિસ્તાર ગણાતા યુનિવર્સિટી રોડ પરનાં પ્રખ્યાત “પીઝા કન્ટ્રી કિચન” નામના રેસ્ટોરન્ટમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. આ સ્થળેથી સત્તાવાળાઓને 14 કિલો એક્સપાયર થયેલો પીઝા બેઝ તેમજ લાંબા સમયથી પડી રહેલી વાસી તૈયાર ગ્રેવી, પાસ્તા અને નુડલ્સનો બિનઆરોગ્યપ્રદ જથ્થો મળી આવ્યો હતો. ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા આ તમામ અખાદ્ય સામગ્રીનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો અને વેપારી પાસેથી રુપિયા 5,000નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. આ સાથે જ ત્યાં વપરાતા ડેરિસ્ટા ચીઝનો શંકાસ્પદ નમૂનો લેબોરેટરી ટેસ્ટિંગ માટે લેવામાં આવ્યો હતો અને હાઈજીન જાળવવા બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી.