રાજકોટ-ભાવનગર હાઈવે પર મસમોટાં ખાડા પડી ગયા છે.જેને કારણે આ વિસ્તારમાં આવતા ગામડાંના લોકો અને વાહનચાલકો રોજે- રોજ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આ અંગે અગાઉ અનેક વખત પોસ્ટર લખીને તેમજ બેનર સાથે રાખીને ગ્રામજનોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. આમ છતાં હજુ કોઈ પગલાં નહિ લેવાતા આખરે ગ્રામજનોએ પોતાનો રોષ વ્યક્ત કરવા માટે અત્યાર સુધીમાં 500થી વધુ પોસ્ટકાર્ડ લખ્યા છે અને હજુ 1500 લખાશે તેમ તા. પં.ના પ્રમુખ નિશીત ખૂંટે જણાવ્યું છે.
તાલુકા પંચાયતના પ્રમુખે આક્ષેપ કર્યો છે, કે રોડ-રસ્તામાં નબળું મટિરિયલ્સ વાપરવામાં આવ્યું છે. યોગ્ય કામ નહીં થતા રોડ-રસ્તા તૂટી ગયા છે, વરસાદમાં ધોવાઇ ગયા છે. જેથી અનેક સ્થળોએ મોટા-મોટા ખાડા પડ્યા છે. અહીં મોટી સંખ્યામાં ભારે વાહનો પણ પસાર થાય છે. આથી રસ્તાને વધુ નુકસાન થઈ રહ્યું છે. એમ્બ્યુલન્સ કે અન્ય વાહનો જે દર્દીને લઇને દવાખાને જાય છે ત્યારે તેઓ પણ સમયસર દવાખાને પહોંચી નથી શકતા તેથી દર્દીને સમયસર સારવાર મળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અનેક રજૂઆત કરવા છતાં કોઇ નિર્ણય નહિ લેવાતા આખરે પોસ્ટકાર્ડનો નિર્ણય કરાયો છે.