રાજકોટ શહેર-જિલ્લાને જન્માષ્ટમી ફળી છે. ઓગસ્ટ મહિનામાં રાજકોટ શહેર-જિલ્લામાં એક મહિનામાં 11,252 મિલકતનું વેચાણ થયું છે. જેના ભાગરૂપે વહીવટીતંત્રને રૂ.65 કરોડની આવક થઈ છે. રાજકોટ શહેરમાં સૌથી વધુ મિલકત મોરબી રોડ પર વેચાઈ છે.જ્યારે સૌથી ઓછી મિલકતનું વેચાણ જામકંડોરણામાં થયું છે. નોંધનીય છે કે, હવે નવી જંત્રી અમલમાં આવી રહી છે ત્યારે તે પૂર્વે જૂના જંત્રી દરે મિલકત ખરીદી લેવા માટે આયોજન કરી રહ્યા છે. સોમવારે શ્રાદ્ધ મહિનો શરૂ થાય છે અને 22 સપ્ટેમ્બરથી જ નવરાત્રિ પર્વ શરૂ થાય છે. ત્યારે આ મહિનામાં વધુ મિલકતનું વેચાણ થાય તેવી સંભાવના સેવાઇ રહી છે.
રાજકોટ શહેર-જિલ્લામાં મિલકત ખરીદી-વેચાણની નોંધણી 18 ઝોનમાં થાય છે.જિલ્લાની વાત કરીએ તો ગોંડલમાં 1015, રાજકોટના મવડી વિસ્તારમાં 1080, જેતપુરમાં 593, ઉપલેટામાં 387, રાજકોટના રૈયા વિસ્તારમાં 867, ધોરાજીમાં 259, મોરબી રોડ પર આવેલા રતનપર વિસ્તારમાં 830, રાજકોટ-1 ડિવિઝનમાં 772,કોઠારિયા વિસ્તારમાં 757, કોટડાસાંગાણીમાં 411, રાજકોટ-5 માં આવતા નાનામવા વિસ્તારમાં 671, લોધિકામાં 728, જસણદમાં 437, પડધરીમાં 199, રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 540 દસ્તાવેજની નોંધણી થઈ છે. સામાન્ય રીતે શ્રાદ્ધ મહિનામાં લોકો મિલકત ખરીદવાનું ટાળતા હોય છે. તેથી 8થી 21 સપ્ટેમ્બર સુધી જમીન-મકાનની દસ્તાવેજની નોંધણી ઘટી જશે. જોકે શ્રાદ્ધ બાદ દસ્તાવેજની નોંધણીમાં ઉછાળો આવશે તેમ અધિકારીએ જણાવ્યું છે.