રાજકોટ ગણેશોત્સવ પર લાડુના સેમ્પલ લીધા, રિપોર્ટ તહેવાર બાદ આવશે

રાજકોટમાં ગણેશ ચતુર્થીના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખી મહાપાલિકાના ફૂડ વિભાગે શહેરમાં ફૂડ સેફ્ટી અને હાઈજેનિક કન્ડિશન જાળવવા માટે એક ખાસ સર્વેલન્સ ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ ગણેશજીના ભક્તોને પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવતી મીઠાઈની ગુણવત્તા અને સ્વચ્છતાની ખાતરી કરવાનો છે. આ દરમિયાન, મીઠાઈના ઉત્પાદક એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં વપરાતા કાચા માલ અને સ્વચ્છતાની સઘન તપાસ કરવામાં આવી હતી. આજે આ ઝુંબેશના ભાગરૂપે, ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ 6 મીઠાઈના નમૂના લેવામાં આવ્યા હતા. તેમજ ‘થાલીવાલા’ રેસ્ટોરન્ટમાંથી વાસી ખોરાકનો નાશ કરાયો હતો.

આ સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ફૂડ વિભાગની ટીમે રામાપીર ચોક, 150′ રિંગ રોડ, રાજકોટ ખાતે આવેલી “થાલીવાલા” નામની પેઢીની પણ તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન, પેઢીના સ્ટોરેજમાં રાખવામાં આવેલો 6 કિલોગ્રામ વાસી અને અખાદ્ય ખાદ્ય પદાર્થોનો જથ્થો મળી આવ્યો હતો, જેમાં પનીર ચિલી, પનીર ચિલીની ગ્રેવી, પંજાબી ગ્રેવી અને બાફેલા શાકભાજી જેવી તૈયાર વાનગીઓનો સમાવેશ થતો હતો. ફૂડ વિભાગે આ સમગ્ર જથ્થાનો સ્થળ પર જ નાશ કરાવ્યો હતો અને પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ સુવિધા રાખવા અને લાયસન્સ સંબંધિત બાબતોને લઈને નોટિસ પાઠવી હતી. આ ઉપરાંત, પુનિત પાર્ક, અમર જ્યોત કોમ્પ્લેક્ષ, પુનિતનગર, 80′ રોડ, રાજકોટ ખાતે આવેલી “ખોડલધામ ફાસ્ટફૂડ” પેઢીની પણ તપાસ કરવામાં આવી હતી અને તેને સ્વચ્છતા તેમજ લાયસન્સ અંગે નોટિસ આપવામાં આવી હતી.

આત્મીય કોલેજ વિસ્તારમાં 23 ધંધાર્થીઓનું ચેકિંગ ફૂડ વિભાગની ટીમે પોતાની FSW (ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ) વાન સાથે કાલાવડ રોડ પર આત્મીય કોલેજ સામેના વિસ્તારમાં ખાદ્ય ચીજોનું વેચાણ કરતા ધંધાર્થીઓ પર પણ દરોડા પાડ્યા હતા. આ વિસ્તારમાં કુલ 23 ધંધાર્થીઓની ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી દરમિયાન અમુક ધંધાર્થીઓને તાત્કાલિક લાયસન્સ મેળવવા માટે સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત, વિવિધ ખાદ્ય ચીજોના કુલ 19 નમૂનાની સ્થળ પર જ ચકાસણી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *