ઢાંકણ પર પગ પડ્યો અને 4 વર્ષનો બાળક ભોં ટાંકામાં ડૂબી ગયો

શહેરમાં વધુએક બાળકનું ભોં ટાંકામાં પડી જવાથી મૃત્યુ થયું છે, જોકે આ ઘટનામાં કોઇની લાપરવાહી પણ કારણભૂત છે, ભોં ટાંકાનું ઢાંકણ અડધું બંધ કરાયું હતું અને તેના પર બાળકનો પગ પડતાં બાળક ઢાંકણ સાથે ટાંકામાં ખાબક્યો હતો અને તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.

શહેરના 150 ફૂટ રિંગ રોડ પર નાણાવટી ચોક પાસેની મહાનગરપાલિકાની આવાક યોજના ક્વાર્ટર્સમાં રહેતા રાહુલભાઇ અઘારાનો ચાર વર્ષનો પુત્ર પ્રતિક સોમવારે સવારે સાડા દશેક વાગ્યે પોતાના ઘરની બહાર રમવા નીકળ્યો હતો, થોડો સમય વિત્યા બાદ પ્રતિક નજરે નહીં પડતાં તેના માતા સહિતના પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી, ક્વાર્ટર્સના કેમ્પસ તેમજ પાડોશીઓના ઘરે તપાસ કરી પરંતુ માસૂમ પ્રતિકની ભાળ મળી નહોતી. ત્યારબાદ અઘારા પરિવાર જ નહીં પરંતુ ક્વાર્ટર્સના તમામ લોકો ફૂલ જેવા પ્રતિકને શોધવામાં લાગી ગયા હતા, બે કલાક બાદ ઘર નજીક આવેલા ભોં ટાંકામાં નજર કરી તો માસૂમ પ્રતિક ટાંકામાં બેભાન હાલતમાં જોવા મળ્યો હતો. તેને બહાર કાઢી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેનું મૃત્યુ થયું હતું.

ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસની ટીમ દોડી ગઇ હતી અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રતિક બે ભાઇમાં મોટો હતો, તેના પિતા રિક્ષા ચલાવે છે, પ્રતિક નજીકમાં આવેલી આંગણવાડીમાં અભ્યાસ માટે જતો હતો, મનપાની આવાસ યોજનાના આ કેમ્પસમાં દરેક વિંગ પાસે ભોં ટાંકા આવેલા છે, આ ભોં ટાંકાના પાણીનો ક્વાર્ટર્સધારકો ઉપયોગ કરે છે, ક્વાર્ટર્સના કેટલાક મહિલાઓ આ ભોં ટાંકે કપડાં ધોવા ટાંકો ખોલતાં હોય છે, આ દુર્ઘટના બની તે ટાંકાનું ઢાંકણ કોઇએ ખુલ્લું રાખી દીધું હોય અને તેના પર પગ પડતાં બાળક ટાંકામાં ખાબક્યો હોય તેવી દૃઢ શંકા છે, વહાલસોયા પુત્રનાં મોતથી અઘારા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *