છેલ્લા કેટલાક સમયથી યુનિવર્સિટી એક અને વિવાદ અનેક એવી સ્થિતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જોવા મળી રહી છે. GCASમાં એડમિશનમાં મુશ્કેલી પડી, પીએચ.ડીમાં જગ્યા ઓછી થઇ ગઈ, કોલેજના પ્રોફેસરોને ગાઈડ તરીકે માન્ય ન રાખ્યા, ભરતીમાં અનુભવને લઈને વિવાદ થયા, જુદા જુદા કોર્સના પરિણામો સમયસર જાહેર ન કરાયા, અને સૌથી મહત્ત્વનું કે આવા તમામ શૈક્ષણિક અને વહીવટી કામમાં નિષ્ફળતાને લીધે આગામી ફેબ્રુઆરીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો B ગ્રેડ પણ Cમાં જતો રહે તેવી ભીતિ સેવાઈ રહી છે. આ સમગ્ર બાબતોનો વિરોધ કરવા કોંગ્રેસના તમામ સંગઠનો આગામી તારીખ 9 સપ્ટેમ્બરને મંગળવારે ધરણાં કરવાના છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ ડો.ઉત્પલ જોશીની જાન્યુઆરી મહિનામાં થયેલી નિયુક્તિ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું વહીવટી તંત્ર સતત નિષ્ફળ રહ્યું છે. ગુજરાત કોમન એડમિશન સેલના પોર્ટલ વિદ્યાર્થીઓ માટે માથાનો દુખાવો બન્યા છે. આ પોર્ટલમાં વિદ્યાર્થીઓએ નોંધણી કરાવવા માટે સાયબર કાફેમાં ફરવાનો વારો આવ્યો છે. કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલની આગેવાનીમાં ધરણાં કરશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ વર્તમાન ગાઈડ છે તેમને પણ માર્ગદર્શન તરીકે દૂર કરતા સૌરાષ્ટ્રના 40 વિષય વચ્ચે માત્ર 95થી 100 વિદ્યાર્થીઓ પીએચ.ડીમાં પ્રવેશ મેળવશે, જ્યારે અન્ય યુનિવર્સિટીઓમાં 500થી વધુ વિદ્યાર્થીઓ પીએચ.ડીમાં પ્રવેશ મેળવે છે.
આગેવાનોએ કહ્યું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને NAAC ના પાંચ વર્ષ પૂરા થવા આવ્યા છે ત્યારે હવે નેક ગ્રેડેશનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગ્રેડ B કરતા એક પણ સ્ટેજ ઉપર લાવી શકશે નહીં. ફેબ્રુઆરી 2026 સુધીમાં NAAC ની મુદત પૂરી થશે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો NAAC નો B ગ્રેડ પણ જતો રહેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી B ગ્રેડમાંથી C ગ્રેડ તરફ આગળ વધી રહી છે. તેના વિરોધમાં ધરણાંનો કાર્યક્રમ થશે.