એક તરફ રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણમાં જસદણ નગરપાલિકાને શ્રેષ્ઠ રૅન્કિંગ મળ્યાના દાવા થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ શહેરના જૂના કોઠીના માર્ગે હૃદય સમા શ્રીનાથજી ચોકમાં ગંદકીના ઢગલા ખડકાયેલા જોવા મળી રહ્યા છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, નગરપાલિકાની બેદરકારીને કારણે આ ચોમાસાની ઋતુમાં ગંદકી અને કચરાના કારણે મચ્છરોનો ઉપદ્રવ અસામાન્ય રીતે વધી ગયો છે, જેનાથી રોગચાળાનો ભય ઊભો થયો છે. જસદણમાં શ્રીનાથજી ચોક એ જ વિસ્તાર છે જ્યાં કોરોના મહામારીની શરૂઆત થઈ હતી.
આમ છતાં, આ વિસ્તારની સ્વચ્છતા માટે પાલિકા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. ગંદકીથી ઊભરાતી ગટરો અને કચરાના ઢગલાથી સ્થાનિક રહીશો અને વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. લોકોના મનમાં એક જ સવાલ છે કે, જો શહેરની મુખ્ય જગ્યાની જ આ હાલત હોય,
તો પછી કયા આધારે જસદણ નગરપાલિકાને સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ નંબર આપવામાં આવ્યો? આ બાબત સ્વચ્છતાના સરકારી દાવાઓ સામે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. સ્થાનિક રહીશોએ નગરપાલિકા તંત્રને તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવવા અને શહેરને સ્વચ્છ બનાવવા માટે કડક પગલાં લેવાની માગણી કરી છે.