સુરતમાં 2 દિવસ પહેલા ખાબકેલા ભારે વરસાદને કારણે ત્યાં અનેક સ્થળોએ પાણી ભરાઈ જવાની ઘટનાઓ બની હતી. ત્યારે રાજકોટમાં પણ ભારે વરસાદ આવે તો સુરતવાળી થવાની શક્યતા છે. મનપા દ્વારા પણ કુલ 87 રસ્તાઓ જાહેર કરાયા છે. જ્યાં દર વર્ષે વરસાદ આવે ત્યારે પાણી ભરાતું હોય છે. ત્યારે એકસાથે 4-5 ઇંચ વરસાદ પડશે તો પણ આ રસ્તાઓ જળબંબાકાર થવાની પુરી શક્યતા છે. મનપા દ્વારા આ વિસ્તાર અને શહેરના અન્ય કોઈપણ વિસ્તારમાં પાણી ભરાવાની કે વૃક્ષો પડવા સહિતની સમસ્યા થાય તો લોકો તરત સંપર્ક કરી શકે તે માટે કંટ્રોલરૂમના નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે.
શહેરના અનેક માર્ગો ભારે વરસાદમાં જળબંબાકાર થાય છે રાજકોટમાં દર વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાય છે, જે લોકો માટે મોટી આફત સમાન બની રહે છે. મહાનગરપાલિકા તંત્ર દ્વારા દર વર્ષે ચોમાસાની શરૂઆત પહેલાં પ્રિ-મોન્સુન કામગીરીના મોટા-મોટા દાવાઓ કરવામાં આવે છે. જોકે, વાસ્તવિકતા એ છે કે આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે કોઈ નક્કર આયોજન કરવામાં આવ્યું નથી. પ્રિ-મોન્સુન બેઠકોમાં માત્ર કાગળ પર ચર્ચાઓ થાય છે, પરંતુ જે રોડ-રસ્તાઓ દર ચોમાસે પાણીમાં ગરકાવ થઈ જાય છે તેના કાયમી નિકાલ માટે કોઈ ગંભીરતા દાખવવામાં આવતી નથી. આ જ કારણે સામાન્ય કે ભારે વરસાદમાં પણ શહેરના અસંખ્ય માર્ગો જળબંબાકાર થઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે.
મનપાએ 87 રોડનું લિસ્ટ જાહેર કર્યું આ વર્ષે ચોમાસાની સીઝન શરૂ થઈ ચૂકી હોવા છતાં રાજકોટમાં હજી સુધી કોઈ નોંધપાત્ર કે ભારે વરસાદ નોંધાયો નથી. પરંતુ જો શહેરમાં એકસાથે 4 ઈંચ કે તેનાથી વધુ વરસાદ ખાબકશે, તો શહેરના અનેક રાજમાર્ગો અને જાહેર રસ્તાઓ નદી-તળાવમાં ફેરવાઈ જશે તે નિશ્ચિત છે. વરસાદી પાણી ભરાવાને કારણે રસ્તાઓ ધોવાઈ જાય છે અને સમગ્ર શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય સ્થપાય છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલી સત્તાવાર યાદી મુજબ, શહેરના ત્રણેય ઝોનના અલગ-અલગ વિસ્તારોમાં 87 એવા મુખ્ય જાહેર માર્ગો છે જ્યાં દર વર્ષે વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાય છે.