રાજકોટ શહેરમાં બુધવારે ફાયરિંગની સનસનાટીભરી ઘટના બની. શહેરના નાનામવા રોડ પર આવેલા મોકાજી સર્કલ પાસે બાઇક ચલાવવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં કાકા-ભત્રીજા પર ફાયરિંગ કરવામાં આવ્યું. આ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણદીપસિંહનું લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે તેમના કાકા ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતાં જ ક્રાઇમ બ્રાન્ચ અને તાલુકા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
એસીપી બી. જે. ચૌધરી આ ચકચારી ઘટના અંગે વિગતો આપતાં એસીપી બી. જે. ચૌધરીએ જણાવ્યું હતું કે, મૃતક કૃષ્ણદીપસિંહ મોકાજી સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અજાણ્યા શખ્સો સાથે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય માથાકૂટ બાદ ઉશ્કેરાયેલા શખ્સે ફોન કરીને પોતાના પિતાને હથિયાર સાથે ત્યાં બોલાવી લીધા હતા. રિવોલ્વર જેવા હથિયારમાંથી સીધું આવીને જ કુલ 4 રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. આ હુમલામાં કૃષ્ણદીપસિંહને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક વ્યક્તિને પણ ઈજા થઈ હોવાથી હાલમાં તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો અને આ મામલે હાલ ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. આ હુમલાને અંજામ આપીને ફરાર થઈ ગયેલા આરોપીઓની શોધખોળ કરવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસવાની તેમજ લોકેશનના આધારે તપાસ કરવાની તજવીજ હાથ ધરી છે, જોકે પ્રાથમિક તપાસમાં હજી કોઈ આરોપીઓના ચોક્કસ નામ સામે આવ્યા નથી. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે મૃતક કૃષ્ણદીપસિંહના ભાઈ પોલીસ વિભાગમાં જીઆરડી (ગ્રામ રક્ષક દળ) ટીમમાં ફરજ બજાવે છે.