પીણાં, આઈસ્ક્રીમ અને ફેસ કેરનું વેચાણ સૌથી વધુ; 1 લાખ કરોડનું બજાર

દેશમાં ક્વિક કોમર્સ પરંપરાગત ઈ-કોમર્સને ઝડપથી પાછળ ધકેલી રહ્યું છે. ઇક્વિરસ કેપિટલના જૂન 2026ના કન્ઝ્યુમર સેક્ટર રિપોર્ટ અનુસાર, ભારતનું ડિજિટલ કોમર્સ બજાર 2026માં 8 લાખ કરોડ રૂપિયાનું અંદાજીત છે, જેમાં ક્વિક કોમર્સનો હિસ્સો 1.08 લાખ કરોડ રૂપિયા છે.

સૌથી ખાસ વાત એ છે કે ક્વિક કોમર્સ વાર્ષિક ધોરણે 40%ના દરે વધી રહ્યું છે, જે સમગ્ર ડિજિટલ કોમર્સનો ગ્રોથ ગતિ કરતાં બમણાથી પણ વધુ છે. બ્લિન્કિટ, ઇન્સ્ટામાર્ટ અને ઝેપ્ટો જેવી મુખ્ય કંપનીઓના ડાર્ક સ્ટોર નેટવર્કમાં છેલ્લા એક વર્ષમાં ભારે વધારો થયો છે. મે 2025માં આ ત્રણેય કંપનીઓના કુલ 3,405 ડાર્ક સ્ટોર હતા, જે મે 2026માં વધીને 5,026 થઈ ગયા. એટલે કે, માત્ર એક વર્ષમાં ડાર્ક સ્ટોર્સની સંખ્યા લગભગ દોઢ ગણી વધી છે. આ આક્રમક વિસ્તરણ દર્શાવે છે કે કંપનીઓ નાના શહેરો અને નવા વિસ્તારોમાં ઝડપથી પગપેસારો કરી રહી છે, જેથી 10-15 મિનિટમાં ડિલિવરીનું વચન પૂરું કરી શકાય.

રિપોર્ટ અનુસાર, આ સિઝનમાં આઈસ્ક્રીમ, પીણાં (બેવરેજીસ) અને ફેસ કેર પ્રોડક્ટ્સ ક્વિક કોમર્સ પ્લેટફોર્મ્સ પર સૌથી ઝડપી ગ્રોથ દર્શાવતી કેટેગરી રહી. ઉનાળાની ઋતુમાં આ ઉત્પાદનોની માંગ સ્વાભાવિક રીતે વધે છે, પરંતુ ક્વિક કોમર્સે આ માંગને તરત પૂરી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી, જેનાથી પરંપરાગત રિટેલ ચેનલો પર દબાણ વધ્યું છે.

નબળા ચોમાસાથી ગ્રામીણ માંગ ધીમી પડવાનો ખતરો વધ્યો

જોકે, કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ માટે એક ચિંતાજનક સમાચાર પણ છે. રિપોર્ટમાં જણાવાયું છે કે 4 જૂનથી 22 જૂન વચ્ચે દેશમાં સામાન્ય 97.6 મિલીમીટરની સરખામણીમાં માત્ર 53.1 મિમી વરસાદ થયો. એટલે કે 46%નો મોટો ઘટાડો છે. આનાથી જૂન 2026 છેલ્લા 146 વર્ષોમાં સૌથી સૂકા મહિનાઓમાંનો એક બની ગયો છે. એનાલિસ્ટ્સનું માનવું છે કે અલ નીનોની સ્થિતિઓ અને નબળું ચોમાસું ગ્રામીણ આવક અને માંગ પર વિપરીત અસર કરી શકે છે, જે FMCG વપરાશનો એક મહત્વપૂર્ણ આધાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *