વાવેતરના બે માસ બાદ ખેતીવાડી વિભાગે બિયારણના નમૂના લીધા

રાજકોટ જિલ્લામાં 3,10,461 હેક્ટરમાં મગફળી અને 1,29,338 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે.સામાન્ય રીતે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 15 જૂને વાવણીના શ્રીગણેશ થઇ જતા હોય છે. વાવેતર થયાના બે મહિના બાદ નાયબ ખેતીવાડી વિભાગને બિયારણના નમૂના લેવાનું યાદ આવ્યું. રાજકોટ જિલ્લામાં 847 સેમ્પલ લેવામાં આવ્યા છે.જેને પૃથક્કરણ માટે મોકલાયા છે. હવે પરિણામની રાહ જોવાઈ રહી છે. રાજકોટ જિલ્લામાં નકલી બિયારણ વેચાતું હોવાની અનેક ફરિયાદો ઊઠી હતી અને રાજકોટ જિલ્લા પંચાયતની તાજેતરમાં મળેલી સભામાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો.

ખેતીવાડી વિભાગના નાયબ નિયામક વિજય કોરાટે જણાવ્યું છે કે, જુલાઈ મહિના સુધીમાં રાજકોટ જિલ્લામાં મગફળી, કપાસ, સોયાબીન સહિતના બિયારણ લેવામાં આવ્યા છે. જેને પૃથક્કરણ માટે જૂનાગઢ તેમજ અન્ય કૃષિ યુનિવર્સિટીમાં મોકલી આપવામાં આવ્યા છે.જેમાં 11 બિન પ્રમાણિત સાબિત થયા છે.જે કિસ્સામાં બિયારણ બિન પ્રમાણિત સાબિત થયા છે.તેવા કિસ્સામાં નોટિસ બજવણી સહિતની કામગીરી કરવામાં આવશે.

તાજેતરમાં જિલ્લા પંચાયતની સભા મળી હતી.જેમાં એવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે, જિલ્લામાં જે ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યુ છે. તેમાંથી મોટાભાગના ખેડૂતમાં એવી ફરિયાદ ઊઠી છે કે, આ બિયારણોમાં 50 ટકા જ ઉગાવો છે, 50 ટકા ફેલ છે. આ બિયારણ કુવાડવા, શાપર, ગોંડલ, જૂનાગઢ, કેશોદ, જેતપુરના કારખાનામાંથી લીધું છે, તો આ ફરિયાદના અનુસંધાને કોઇ કાર્યવાહી કરવામાં આવી કે કેમ?ખેડૂતોએ મગફળીના બિયારણ કુવાડવામાં બોમ્બે સુપરસીડ, જેતપુરના ભોલેનાથ ટ્રેડર્સ, જૂનાગઢની એગ્રો સીડ્સ ઇન્ડસ્ટ્રીઝ સહિત વિવિધ કંપનીમાંથી લીધા હતા.જે કંપનીએ નકલી બિયારણનું વેચાણ કર્યુ છે. તેની સામે કાર્યવાહી કરવામાં આવે. જેના જવાબમાં અધિકારીએ જણાવ્યું હતું કે, 847 બિયારણના નમૂના લેવામાં આવ્યા છે. જે ચકાસણી માટે જૂનાગઢમાં મોકલી આપવામાં આવ્યા છે.11 સેમ્પલ ફેલ થતાં આ કિસ્સામાં બિયારણ અધિનિયમ- 1966, બિયારણ નિયમ 1968 અને બિયારણ નિયંત્રણ હુકમ 1983 હેઠળ કાયદાકીય કાર્યવાહી ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *