શહેરના કાલાવડ રોડ પર શ્રીજી હોટેલ પાસે વાહન પાર્ક કરવાના મુદ્દે થયેલી માથાકૂટમાં એડવોકેટ ધર્મેશ ચોકસીને સાત શખ્સે ધમકી આપ્યાની અગાઉ ફરિયાદ નોંધાઇ હતી, હવે એડવોકેટ સામે વળતી ફરિયાદ નોંધાઇ છે. જીવરાજપાર્કમાં રહેતા રજવાડી ગરબા ક્લાસીસના સંચાલક હાર્દિકસિંહ દિલીપસિંહ રાઠોડે (ઉ.વ.28) તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે એડવોકેટ ધર્મેશ ચોકસીનું નામ આપ્યું હતું.
હાર્દિકસિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.18ના પોતે તથા તેના મિત્રો શ્રીજી હોટેલ પાસે ચા પી રહ્યા હતા ત્યારે ધર્મેશ ચોકસીએ આવી વાહન હટાવવાનું કહ્યું હતું અને તે બાબતે બોલાચાલી થઇ હતી, ત્યારબાદ ગિરિરાજ હોસ્પિટલ પાસે ધર્મેશ ચોકસી મળતા તેમણે ગાડી લેવી પડીને તેમ કહી બોલાચાલી કરી હતી અને મારી દીકરી ભાગી ગઇ તેમાં તારો જ હાથ છે તેમ કહી તને તો હું મારી જ નાખવાનો છું તેમ કહી ખૂનની ધમકી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ એડવોકેટ ધર્મેશ ચોકસીએ હાર્દિકસિંહ રાઠોડ સહિતના સામે ફરિયાદ કરી હતી.