તંત્ર નેતાઓની નીચે, નેતાઓ કાયદાથી ઉપર,સરકારી કારમાંથી હૂટર હટાવવામાં બધાનું ઉહું

રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓની સરકારી કારમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કાયદાનો ભંગ કરીને સાયરન ગેરકાયદેસર રીતે રાખવામાં આવ્યાનું ખુલ્યા બાદ પણ તેની અમલવારી ન કરવા માટે શાસકો જીદે ચડ્યા છે અને આપણા દેશમાં કાયદો માત્ર પ્રજાજનો માટે જ હોવાનું અને ભાજપના પદાધિકારીઓ માટે કાયદો ન હોવાનું વધુ એકવખત સાબિત થયું છે. સાત-સાત મહિનાથી સરકારી કારમાંથી હૂટર દૂર કરવાનો વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ મનપાના પદાધિકારીઓ નીંભર બની કાયદાનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે અને તેની પાસે કાયદાની અમલવારી કરાવવામાં મ્યુનિસિપલ કમિશનર અને આરટીઓ અધિકારીઓ પણ સદંતર નિષ્ફળ રહ્યા છે.

મહાનગરપાલિકા દ્વારા હૂટર મુદ્દે આરટીઓનો અભિપ્રાય માગવામાં આવ્યો હતો અને ત્યારબાદ પદાધિકારીઓની સરકારી કારમાં હૂટર ગેરકાયદે હોવાનું સ્પષ્ટ થયા બાદ ફાયર વિભાગ દ્વારા આ મુદ્દે તમામ પદાધિકારીઓને પત્ર લખવામાં આવ્યો હતો અને હૂટર દૂર કરવા જણાવાયું હતું. પરંતુ પદાધિકારીઓએ તેઓ કાયદાથી ઉપર હોય તેમ ફાયર શાખાના અધિકારીઓને સ્પષ્ટ જણાવી દીધું કે, જ્યાં સુધી અમે ન કહીએ ત્યાં સુધી કોઈ કાર્યવાહી થતી નથી. આ મુદ્દે ફાયર વિભાગના સૂત્રોને પુછતા તેઓએ સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર અને મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા સૂચના ન આપે ત્યાં સુધી હૂટર દૂર કરવાના નથી તેમ જણાવ્યું હતું.

હૂટર લગાડ્યા છે, પરંતુ તેઓ ઉપયોગ કરતા નથી: શહેર ભાજપ પ્રમુખ દવે શહેર ભાજપ પ્રમુખ માધવ દવેને આ બાબતે પૂછતાં તેઓએ પદાધિકારીઓના બચાવમાં ઉતર્યા હોય તેમ સ્પષ્ટ જણાવ્યું હતું કે, સરકારી કારમાં હૂટર લગાડ્યા છે, પરંતુ તેનો ઉપયોગ કરાતો નથી. આથી ઉતારવાની શું જરૂર? ત્યારે પ્રમુખ દવેને પૂછવાનું કે કાયદામાં લાઇસન્સ વગર બંદૂક સાથે રાખવી પ્રતિબંધિત છે, પરંતુ તે ફોડવાના ન હોય તો સાથે રાખી શકાય ખરી?

સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર કહે છે, કાર પરથી હૂટર નહીં હટે દરેક જનરલ બોર્ડમાં અને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નીતિમત્તા અને સિદ્ધાંતની વાત કરતાં ચેરમેન જયમીન ઠાકરને હૂટર બાબતે પૂછતા તેઓએ એવો સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે, કાર પરથી હૂટર નહીં હટે. આમ કેન્દ્ર અને રાજ્ય સરકારના કાયદાને મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન ઠાકર ગણકારતા ન હોવાનો સ્પષ્ટ અણસાર આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *