શહેરમાં રોડ અકસ્માતમાં જીવ ગુમાવનારની સંખ્યામાં વધારો થયો છે. જેમાં મોરબી રોડ પર જૂના જકાતનાકા પાસે ટ્રકે બાઇકને ઠોકરે લેતાં બાઇકચાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. બાઈકચાલક ફેબ્રિકેશનના ધંધાર્થીના મૃત્યુથી પરિવાર શોક છવાયો છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ, શહેરના સામાકાંઠા વિસ્તારમાં, પેડક રોડ પર મારુતિનગર સોસાયટીમાં રહેતા જિતેન્દ્રભાઇ લાલજીભાઇ વસોયા(ઉં.વ.52)નામના પ્રૌઢ સવારે બાઇક હંકારીને જતાં હતાં ત્યારે મોરબી રોડ જૂના જકાતનાકા નજીક ગિરિરાજ પાર્ટી પ્લોટની સામે ટ્રકના ચાલકે પાછળથી ટક્કર મારી ઉલાળી દેતાં તેઓ બાઇક સહિત ફંગોળાઇ જઈ નીચે પટકાયા હતા. ગંભીર ઇજા થતાં 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં ટૂંકી સારવારમાં દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવિઝન પોલીસને જાણ કરી હતી.
મૃતકના પરિવારે જણાવ્યા અનુસાર, જિતેન્દ્રભાઇ બે ભાઈમાં મોટા હતાં અને મોરબી રોડ જકાતનાકા પાસે ભાડે દુકાન રાખી ફેબ્રિકેશનનું કામ કરતાં હતાં. મૃતકને સંતાનમાં બે પુત્રી છે. તેમને ફેબ્રિકેશનની દુકાનેથી ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં દુર્ઘટના ઘટી હતી. બી-ડિવિઝન પોલીસે ટ્રકચાલકની ધરપકડ કરી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.