જસદણ નગરપાલિકાના કર્મચારીઓની બેદરકારી અને ગેરહાજરી સામે કોંગ્રેસના સભ્ય ધીરુભાઈ મોહનભાઈ છાયાણીએ કડક પગલાં લેવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું છે કે, સોમવારે બપોરે 12-30 વાગ્યે નગરપાલિકાની ઓફિસમાં કોઈ પણ મુખ્ય અધિકારી કે કર્મચારીઓ તેમની ખુરશી પર હાજર ન હતા.એ સમય રીસેસનો ન જ હતો.
ઓફિસમાં પંખા અને લાઈટ ચાલુ હોવા છતાં ખુરશીઓ ખાલી હતી. જેના કારણે સરકારી કામકાજ માટે આવેલા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે આવા ‘ગુટલીબાજ’ કર્મચારીઓ પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે તેઓ બેજવાબદારીપૂર્વક વર્તી રહ્યા છે.
આ બાબતે તેમણે પાલિકાના ચીફ ઓફિસર અને જવાબદાર અધિકારીઓનું ધ્યાન દોરીને માંગ કરી છે કે આવા બેજવાબદાર કર્મચારીઓ સામે તાત્કાલિક શિક્ષાત્મક પગલાં લેવામાં આવે.