રાજકોટ શહેરના મધ્યમ-જરૂરિયાતમંદ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને જન્માષ્ટમી પૂર્વે ફરસાણ-ગાંઠિયામાં ભાવબાંધણું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ દુકાનમાં ક્યા ભાવે ફરસાણ-મીઠાઈ વેચાઈ છે તેની તપાસ કરી જ નહોતી. જેને કારણે લોકો લૂંટાયા હતા. શહેરમાં યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ, પેડક રોડ, મવડી રોડ સહિતના અનેક વિસ્તારોમાં ગાંઠિયાના રૂ.800 સુધી વસૂલવામાં આવ્યા હતા.
જન્માષ્ટમી પૂર્વે જિલ્લા પુરવઠા અધિકારી અજયભાઈ ઝાપડાની અધ્યક્ષતામાં ફરસાણના વેપારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં સર્વસંમતિથી ફરસાણ અને મીઠાઈ પ્રવર્તમાન બજાર ભાવ કરતાં 10 ટકા જેટલા નીચા ભાવે વેચવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત, જન-આરોગ્યને અનુલક્ષીને વેપારીઓને દાઝિયા તેલનો ઉપયોગ નિયમોની મર્યાદામાં કરવા, ફરસાણમાં સોડિયમ કાર્બોનેટ (ધોવાનો સોડા) અને હાનિકારક રંગીન દ્રવ્યનો ઉપયોગ ન કરવા અને મીઠાઈ બનાવવાની તકેદારી રાખવા વેપારીઓને સૂચના આપવામાં આવી હતી.
તહેવાર નિમિત્તે સિંગતેલમાં તળેલા ગાંઠિયા રૂ.640, કપાસિયા તેલમાં તળેલા ગાંઠિયા રૂ.470 અને પામોલીન તેલમાં તળેલા ગાંઠિયાનો ભાવ રૂ.400 નક્કી કરવામાં આવ્યો હતો. જ્યારે ફરસાણમાં સિંગતેલમા બનાવેલ ફરસાણ રૂ.540, કપાસિયા તેલમાં બનાવેલ ફરસાણ રૂ.350 અને પામોલીન તેલમાં બનાવેલ ફરસાણ રૂ.280ના ભાવે વેચવાનું નક્કી થયું હતું. આમ છતાં યુનિવર્સિટી રોડ પર આવેલી વિવિધ ફરસાણની દુકાનમાં ફરસાણનો ભાવ 600 સુધી વસૂલવામાં આવ્યો હતો. તેમ લીલાબેન નામના મહિલાએ જણાવ્યું હતું.