શહેરના મોરબી રોડ પર રહેતા પ્રૌઢાને કેનાલ રોડ, કુંભારવાડામાં રહેતા ભત્રીજાના ઘરેથી પરત ઘરે આવતી વેળાએ મધરાત્રિના ભાવનગર રોડ, પટેલ વાડીથી ડિલક્સ ચોકની વચ્ચે બાઈકસવાર બેલડીએ પ્રૌઢાના ગળામાં પહેરેલો રૂ.35 હજારની કિંમતનો સોનાનો ચેઈન આંચકી લીધો હતો. ચેઈન પ્રૌઢાના ગળામાંથી ખેંચાતા તેઓ ખાડામાં પટકાયા હતા. બનાવ અંગે પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
શહેરના મોરબી રોડ જય જવાન જય કિસાન મેઈન રોડ, સંગીતા પાર્ક સોસાયટી શેરી નં.02માં રહેતા કંચનબેન રમણીકભાઈ ખોખર(ઉં.વ.55)નામના પ્રૌઢાએ બી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે,ગત તા.17ના રાત્રિના નવેક વાગ્યે તેઓ તેમના પતિ સાથે સ્કૂટરમાં પાછળ બેસી દોહિત્રી હેન્સી(ઉં.વ.3.5)ને લઈને કેનાલ રોડ,કુંભારવાડામાં રહેતા ભત્રીજા અમિત બાબુભાઈ ખોખરના ઘરે ગયા હતા.
બાદમાં તા.18ના રાત્રિના બે વાગ્યે ત્યાંથી ઘરે પરત ફરી રહ્યા હતા. જે દરમિયાન ભાવનગર રોડ પટેલ વાડી આગળ શિવમ એન્ટરપ્રાઈઝ પાસે ડિલક્સ ચોક પહેલા પહોંચ્યા ત્યારે બાજુમાં બે અજાણ્યા શખ્સ બાઈક લઈને આવી પહોંચ્યા હતા. જેમાંથી પાછળ બેસેલા શખ્સે પ્રૌઢાના ગળામાં પહેરેલો સોનાનો દોઢ તોલાનો ચેઈન ઝોંટ મારી લેતા તેણી સ્કૂટર ઉપરથી નીચે પડી ગયા હતા. જેથી માથાના અને કોણીના ભાગે નજીવી ઈજાઓ પણ થઇ હતી. પ્રૌઢાને ઈજાઓ પહોંચવાને કારણે તેમના પતિ તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ ગયા હોય પણ બંને શખ્સને જોયે ઓળખી શકે એમ છે તેવું ફરિયાદમાં જણાવેલ છે.