મિત્રો સાથે દ્વારકા જવાનું ટાળી, બાઈક રાઈડર એન્જિનિયર યુવકે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ડિપ્રેશનના કારણે યુવા વર્ગમાં આપઘાતના બનાવો સામે આવતા હોય છે, ત્યારે વધુ એક યુવાને ડિપ્રેશનના કારણે ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. શહેરના 80 ફૂટ રોડ પર મટુકી રેસ્ટોરન્ટની સામે શનેશ્વર સોસાયટી-02માં રહેતા શાર્મિલ શૈલેષભાઈ પરમાર(ઉં.વ.24) નામના યુવકે ઘરના પાર્કિંગમાં ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોકની કાલિમા છવાઈ હતી. બનાવ અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકને જાણ થતા હેડ કોન્સ્ટે. ભોજભાઈ મોભ સહિતના સ્ટાફે મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની તપાસમાં આપઘાત કરનાર શાર્મિલ ભાઈ-બહેનમાં મોટો હતો અને અપરિણીત હતો. તેણે સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો હતો. હાલમાં તે વાવડીમાં આવેલા પોતાના ઓટોમોબાઈલ રિપેરિંગના કારખાનામાં બેસી પિતાને કામમાં મદદરૂપ થતો હતો. યુવક નાની નાની વાતમાં ટેન્શનમાં આવી જતો હોય જેથી ડિપ્રેશનના કારણે આ પગલું ભરી લીધું હોવાનું તપાસમાં ખુલ્યું હતું.

યુવકના પિતાએ જણાવ્યું હતું કે, શાર્મિલ બાઈક રાઈડિંગનો શોખ ધરાવતો હતો. જન્માષ્ટમી નિમિત્તે પતિ-પત્ની બંને પોરબંદર ફરવા ગયા હતા. જ્યારે શાર્મિલ દ્વારકા તેના મિત્રો સાથે બાઈક લઈને દર્શને જવાનો હતો. જેથી ઘણા બધા કોલ્સ કરવા છતાંય ફોન ન ઉપડતા પાડોશીને ઘરે જઈ જોવા બાબતે કહ્યું હતું, ત્યારે પાડોશીએ મકાનમાં જઈ જોતા પુત્ર પાર્કિંગમાં લટકતી હાલતમાં નજરે પડ્યો હતો. પાડોશીએ જલ્દીથી ઘરે પહોંચવાનું કહેતા તેઓ રાજકોટ દોડી આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *