પીએસઆઈની પરીક્ષામાં ઓછા ગુણોથી રહી જતાં આશાસ્પદ યુવતીનો આપઘાત

રાજ્યમાં વર્ષ 2024-25માં લેવાયેલી પોલીસ ભરતીની પરીક્ષાની આન્સર કી તાજેતરમાં જાહેર કરાઈ હતી. જેમાં પીએસઆઈની પરીક્ષામાં ખૂબ જ ઓછા ગુણે રહી જતાં આશાસ્પદ યુવતીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.શહેરના જે.ડી. પાઠક વિસ્તારમાં આવેલ નવલનગર શેરી નં.03માં રહેતી યોગીતાબા ઘનશ્યામસિંહ ઝાલા(ઉં.વ.27)નામની યુવતીએ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા 108 ઇએમટીને બોલાવતા તબીબે તેને જોઈ તપાસી મૃત જાહેર કરી હતી. બનાવ અંગે માલવિયાનગર પોલીસને જાણ કરતાં એએસઆઈ એચ.ટી. પરમાર સહિતના સ્ટાફે હોસ્પિટલે પહોંચી મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તજવીજ હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતીના માતાએ દરવાજો ખખડાવવા છતાંય અંદરથી કોઈ જવાબ ન મળતા યુવતીના કાકાને જાણ કરી હતી. જેથી કાકાએ બારી ખોલી જોયું ત્યારે યુવતી લટકતી હાલતમાં નજરે પડી હતી. 108ના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતાં પરિવારમાં ઘેરો કલ્પાંત છવાયો છે. યોગિતાબા છેલ્લા બે વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી હતી. જે દરમિયાન કેટલી વાર ડિપ્રેશનનો શિકાર થઇ ચૂકી હોય જેથી તેની સારવાર પણ શરૂ હતી. છેલ્લે ગત વર્ષે આપેલી પીએસઆઈની પરીક્ષાની ફાઈનલ આન્સર-કી મુજબ તેણી ખૂબ જ ઓછા ગુણોથી પરીક્ષામાં પાસ થતા રહી ગઈ હોય જે વાત યુવતીએ તેના પિતાને પણ કરી હતી.

યુવતીના પિતાએ જણાવ્યા અનુસાર, પોલીસની પરીક્ષામાં ઓછા ગુણે રહી જવાના કારણે છેલ્લા ઘણા સમયથી તેણી વધુ હતાશા અનુભવતી હતી. જેથી તેણીએ આ પગલું ભર્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે. આપઘાતના અન્ય એક બનાવમાં મવડીની ધરમનગર સોસાયટીમાં આવેલ પંચતત્ત્વ એપાર્ટમેન્ટમાં રહેતા 51 વર્ષીય ભાવેશભાઈ ભાલોડિયા નામના પ્રૌઢે માનસિક બિમારીથી કંટાળી ગત તારીખ 14ના ઢેબર રોડ આર્યસમાજ નજીક આવેલ જાહેર શૌચાલયમાં ઝેરી પાઉડર પી જતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમણે દમ તોડી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *