હાઇકોર્ટ બેન્ચ માટે 24 ઓગસ્ટે સૌરાષ્ટ્ર કક્ષાની મહાબેઠક યોજાશે

રાજકોટને હાઇકોર્ટ બેન્ચ મળે તે માટે વધુ એક વખત વકીલોએ લડતના મંડાણ કર્યા છે. આ લડતને વધુને વધુ મજબૂત બનાવવા 24મી ઓગસ્ટે રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર કક્ષાની મહાબેઠકનું આયોજન કરાયું છે અને તેમાં સૌરાષ્ટ્ર-કચ્છના 85 બાર એસોસિએશનના પ્રતિનિધિને આમંત્રણ અપાયું છે.

રાજકોટ બાર એસોસિએશનના કોન્ફરન્સ હોલમાં મંગળવારે હોદ્દેદારો અને સિનિયર વકીલોની બેઠક મળી હતી. જેમાં હાઇકોર્ટ બેન્ચનો મુદ્દો સૌરાષ્ટ્ર લેવલનો હોવા અંગે ભાર મુકાયો હતો અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લા અને તાલુકાના બાર એસોસિએશનને આ મુહિમમાં જોડવાનું નક્કી કરાયું હતું. જેમાં તમામ હોદ્દેદારોએ 24મી ઓગસ્ટે બેઠક બોલાવવા નિર્ણય કર્યો હતો.

આ બેઠકમાં સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ ઉપરાંત જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર જિલ્લાના 85 બારના પ્રતિનિધિને આમંત્રિત કરવા નિર્ણય કરાયો હતો. સૌરાષ્ટ્ર-કચ્છમાં અંદાજે 25000થી વધુ વકીલો છે અને આ લડતથી સૌરાષ્ટ્ર-કચ્છની 3.30 કરોડથી વધુ લોકોને ફાયદો થઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *